અત્યાર સુધી અમે શહીદો અને હિજરત કરનારાઓના બારામાં ચર્ચા કરી. રસુલે ખુદા (સ.અ.વ.)નો દરજ્જો એટલો બલંદ છે કે આપણે બયાન નથી કરી શકતા અને આપ (સ.અ.વ.) તમામ શહીદો અને હિજરત કરનારાઓથી બલંદ મકામ ધરાવો છો. અલબત્ત આપણે રસુલે ખુદા (સ.અ.વ.)ના દરજ્જાની સરખામણી તમામ માનવજાત અને જીન્નાતની સાથે કરી પણ નથી શકતા. અમૂક મુસલમાનો વાદવિવાદ કરે છે કે શું રસુલે ખુદા (સ.અ.વ.) હયાત છે જે પાયાવિહોણી વાત છે કારણ કે આપ (સ.અ.વ.)નો મકામ ઉમ્મત ઉપર ગવાહ તરીકેનો છે જે સાબિત કરે છે કે આપ (સ.અ.વ.) હયાત છે. આપ (સ.અ.વ.) હિજરત કરનાર અને શહીદ પણ છે, અલબત્ત હિજરત અને શહાદત આપ (સ.અ.વ.)ના ઉમ્મત ઉપર રસુલ તરીકેના હુકમથી છે.
શું હિજરત કરનારાઓ અને શહીદો હયાત છે?
કોઈપણ મુસલમાનને શક નથી કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ હિજરત કરી અને ભરોસાપાત્ર આલીમોએ આયેશાથી બુખારી, બયહકી અને જલાલુદ્દીન સુયુતીની અલ હાવી લે અલ ફતાવા (ભાગ-2, પા. 149)ના હવાલાથી નકલ કર્યું છે કે આપ (સ.અ.વ.)ની શહાદત ખૈબરની યહુદી સ્ત્રી દ્વારા ઝહેર આપવાથી થઈ.
પરિણામે, રસુલુલ્લાહ (સ.અ.વ.) શહીદો અને હિજરત કરનારાઓ કરતા કબ્રમાં હયાત હોવાના વધુ હક્કદાર છે અને આપ (સ.અ.વ.) ઘણી વધુ ઈલાહી નેઅમતો માણો છો, અલબત બીજાઓ આપ (સ.અ.વ.)ના કારણે નેઅમતો મેળવે છે અને જ્યારે વિનંતી કરવામાં આવે આપ (સ.અ.વ.) બેશક માંગણીને સાંભળે છે અને અલ્લાહ પાસે તેના માટે શફાઅત તલબ કરે છે.
રસુલુલ્લાહ (સ.અ.વ.)નો ઉમ્મત ઉપર ગવાહ તરીકેનો દરજ્જો
અંબીયા (અ.મુ.સ.) તેમની ઉમ્મત ઉપર ગવાહ હોય છે અને કયામતના દિવસે લોકોના કાર્યોના ગવાહ તરીકે લાવવામાં આવશે.
રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માટે અલ્લાહે એક કરતા વધારે મૌકાઓ ઉપર બતાવ્યું છે:
“અને તે દિવસે કે જ્યારે અમે પ્રત્યેક ઉમ્મતમાંથી એક એક સાક્ષી તેમનીજ વિરૃધ્ધ ઉભો કરીશું અને (પછી હે રસૂલ!) તે સઘળાઓ પર તને સાક્ષી બનાવી બોલાવીશું…”
(સુરએ નહલ-16, આયત નં. 89)
“અને એવી રીતે અમોએ તમને વચલું (ન્યાયી) મંડળ બનાવ્યું છે કે જેથી તમે લોકો ઉપર સાક્ષી રહો અને રસૂલ તમારા ઉપર સાક્ષી રહે…”
(સુરએ બકરાહ-2, આયત નં. 143)
“પછી જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી બોલાવીશું અને તે સઘળાઓ ઉપર (હે મોહમ્મદ સ.અ.વ.) તને એક સાક્ષી તરીકે બોલાવીશું.”
(સુરએ નિસા-4, આયત નં. 41)
રસુલે ખુદા (સ.અ.વ.) માટે એ કેવી રીતે શક્ય છે કે ઉમ્મતના લોકોની ગવાહી પેશ કરે જ્યારે કે તેઓ આ દુનિયાથી ચાલ્યા ગયા છે?
કુરઆન આનો જવાબ આમ આપે છે:
“અને નજીકમાંજ અલ્લાહ તથા તેનો રસુલ તમારી વર્તણુંક પણ જોઇ લેશે, પછી તમે છુપા અને જાહેરના જાણનાર (અલ્લાહ)ની પાસે ફેરવવામાં આવશો. પછી જે જે તમે કાર્યો કરતા હતા તેનાથી તે તમને વાકેફ કરી દેશે.”
(સુરએ તૌબા-9, આયત નં. 94)
“અને (હે રસૂલ! તેમને) કહે કે તમે અમલ કર્યે જાઓ નજીકમાં અલ્લાહ તથા તેનો રસૂલ તથા મોઅમીનો તમારા કર્મોને જોઇ લેશે; અને નજીકમાંજ તમે જાહીર અને છુપુ જાણનાર (અલ્લાહ)ની બારગાહમાં પાછા ફેરવવામાં આવશો, પછી તમે જે જે કાંઇ કર્યા કરતા હતા તેનાથી તે તમને વાકેફ કરી દેશે.”
(સુરએ તૌબા-9, આયત નં. 105)
આ આયતોથી સ્પષ્ટ છે કે રસુલે ખુદા (સ.અ.વ.) જેમને મુર્દા અને લાચાર (નઉઝોબિલ્લાહ) સમજવામાં આવે છે તેઓ મૌત અને લાચારીથી ઘણા દૂર છે. આપ (સ.અ.વ.) ઉમ્મતના દરેક શખ્સના દરેક અમલ ઉપર ગવાહ છો જ્યારે કે આપ (સ.અ.વ.) તેમની દરમ્યાન હતા અને આપ (સ.અ.વ.)ના ઈન્તેકાલ પછી કયામતના દિવસ સુધી લોકોના કાર્યો ઉપર ગવાહ છે. જે કોઈ એમ માને કે રસુલે ખુદા (સ.અ.વ.) મુર્દા છે અને નિસહાય છે, તેણે અલબત્ત કુરઆનની આ આયતોનો ઈન્કાર કર્યો છે અને રસુલુલ્લાહ (સ.અ.વ.) તેમના ઈન્કાર ઉપર ગવાહ છે.
વાંચવાનો સમય: 2 મિનિટ
Be the first to comment