અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના પવિત્ર હરમમાં કરામતો

વાંચવાનો સમય: 5 મિનિટ

અમીરૂલ મોઅમેનિન હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર હરમમાં એટલેકે કબ્રે મુબારકની નજીક એટલી કરામતો જાહેર થઈ છે કે તેનું અહીં વર્ણન તો દુરની વાત છે, તેની ગણતરી પણ નથી થઈ શકતી. તેના માટે જાડી બલ્કે ઘણા ભાગોમાં કિતાબ તૈયાર થઇ જાય. અહીં ફકત અમુક બનાવો રજુ કરવામાં આવ્યા છે.

(૧) કમાલુદ્દીન કુમ્મીના વિષે આપની કરામતઃ

ઈરશાદુલ કુલુબમાં કમાલુદ્દીન બીન ગયાસ કુમ્મીથી રિવાયત છે કેઃ હું મૌલાના હરમમાં દાખલ થયો. દોઆ, ઝીયારત અને તવસ્સુલ કર્યા બાદ ઉભો થઈ ગયો. પવિત્ર ઝરીહ મુબારકની એક ખીલ્લી મારી અબામાં ફસાળી જેથી મારી અબા ફાટી ગઈ. મેં અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ને સંબોધીને કહ્યું,

આનો બદલો આપથીજ ઈચ્છીશ બીજા કોઈથી નહીં….”

ઝિયારત પુરી કરીને હીલ્લા શહેર પહોંચ્યો. કમાલુદ્દીન બીન કરમ નાસેરીએ બગદાદમાં કોઈના માટે અબા-કબા લઈ જવા માટે તૈયાર કર્યા હતા. તેમનો ખાદીમ આવ્યો અને કહ્યું, કમાલુદ્દીને કુમ્મીને બોલાવવામાં આવે છે. હું ગયો અને તે મારો હાથ પકડીને ઓરડામાં લઈ ગયો. એક કબા અને અબા ઓઢાડી દીધી. હું બહાર આવ્યો અને ઈબ્ને કરમની પાસે જઈ સલામ કરી અને હાથોને ચુમવા ચાહતો હતો. પરંતુ તેમણે મારી તરફ એવી નઝરે જોયું કે જેનાંથી તેમની નારાઝગી સાફ રીતે દેખાઈ આવતી હતી. ખાદીમ તરફ જોઈને કહ્યું, મેં ફલાણા ને બોલાવ્યો હતો. ખાદીમે કહ્યું, અહી હાજર બધા લોકો ગવાહ છે કે તમે જેને બોલાવ્યા હતા તે આજ કમાલુદ્દીન કુમ્મી છે. મેં કહ્યું, અય અમીર! તમે આ લીબાસ નથી આપ્યો બલ્કે અમીરૂલ મોઅમેનિન (અ.સ.) એ મને અતા ફરમાવ્યો છે.

તેમણે સાચો વાકેઓ જાણ્યો અને જ્યારે આખો બનાવ વર્ણવી દીધો તો સજદામાં પડી ગયા અને કહ્યું, અલ્લાહનો શુક્ર છે કે જેણે મારા હાથે લીબાસ પહોંચાડયું છે.

(ઈરશાહલ કોલુબ, ભાગ-૨, પાના નં. ૩૪૩, બેહાર, ભાગ-૪૨, પાના નં. ૩૧૪)

(૨) તકરીત શહેરનો અંધઃ-

શૈખ હુસૈન અબ્દુલ કરીમ ગરવીથી રિવાયત છે કે તકરીત શહેરનો એક અંધ અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના પવિત્ર હરમમાં દાખલ થયો. વૃધ્ધતાનાં કારણે તેની આંખ બહાર નીકળીને ચહેરા ઉપર લટકી રહી હતી. ઘણી દોઆઓ માંગી, ખુબજ તવસ્સુલ કર્યો અને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની બારગાહમાં આવીને કડક લહેજામાં સંબોધન કર્યા કરતો હતો. કયારેક તો દીલમાં વિચાર આવતો કે તેને મનાઈ કરૂં, પરંતુ પછી તે વિચાર છોડી દેતો હતો. એક સમય સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. એક દિવસ ખુબજ શોર-બકોર સંભળાયો. લોકો ફરિયાદ કરી રહ્યા હતા. મેં વિચાર્યુ કદાચ બગદાદથી અલવીઓ માટે ઘઉં આવ્યા હશે અથવા તો હરમમાં કોઈનું કત્લ થઈ ગયું હશે. બહાર નીકળ્યો કે જોવ કે શું મામલો છે. ત્યારે લોકોએ કહ્યું કે એક અંધ હતો જેને શફા મળી છે, તેનાં કારણે આ શોર-બકોર થઈ રહ્યો છે. મેં દિલમાં વિચાર્યુ કે કાશ! તેજ અંધ વ્યકિત હોય. જ્યારે હરમનાં સહેનમાં પહોંચ્યો તો જોવ છું કે તે જ અંધ વ્યકિત છે જેની આંખો હવે બીલ્કુલ સહી અને સલામત છે અને ખુદાનો શુક્ર અદા કર્યો.

મારા વાલિદે આ પ્રસંગમાં એક વાકયનો વધારો કર્યો છે. તે એ કે જ્યારે તે અંધ ઈમામ (અ.સ.)( ને સંબોધન કરતો હતો તો એવી રીતે બોલતો કે જાણે સામે બેસેલી કોઈ વ્યકિત સાથે વાત કરતો હોય. તેના લહેજામાં આ રીતે કહેતોઃ હું આપની બારગાહમાં આવું અને ચાલ્યો જાવ, જ્યારે કે આપના જે દોસ્ત નથી તે શફા મેળવે!!!

(ફરહતલ્કુરી-૧૪૪, બેહારૂલ અન્વાર, ભાગ-૪૨, પાના નં. ૩૧૭, હદીસ નં. ૪)

(૩) એક મસીહી વ્યકિતઃ-

અલી બીન યહ્યા બીન હુસૈન તહહાલ મીકદાદી પોતાના પિતા અને દાદાથી આ રીતે રિવાયત કરે છે કે એક શખ્સ ખુબજ બેહતરીન ચહેરા અને પાક પહેરવેશ સાથે મારી સામે હાજર થયો અને બે દીનાર આપ્યા પછી કહ્યું, આ લઈલો અને મને હરમની અંદર જવાની પરવાનગી આપો અને દરવાજાને તાળુ મારી દો જેથી એકાંતમાં અલ્લાહની ઈબાદત કરી શકું. તેમણે બે દીનાર લઈને તેને અંદર દાખલ કરીને તાળુ મારી દીધું અને પોતે જઈને સુઈ ગયા. સ્વપ્નમાં અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની ઝિયારત થઈ. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું, “ઉઠો અને તેને મારા હરમમાંથી બહાર કાઢો, તે મસીહી છે.

અલી ઈબ્ને તહહાલ ઉઠયા અને એક દોરડું તેની ગરદનમાં બાંધીને કહ્યું, તુરંત ઉઠો અને બહાર જાવ. તમે મસીહી ધર્મ ઉપર છો. તમે મને બે દીનારથી છેતરી રહ્યા છો ?

તેણે કહ્યું, “હું મસીહી નથી.

મેં કહ્યું, નહિં તમે મસીહી જ છો. એટલા માટે કે અમીરૂલ મોઅમેનિન (અ.સ.) એ સ્વપ્નમાં આવી મને ખબર આપી છે અને ફરમાવ્યું કે એને મારા હરમથી બહાર કાઢો.

તેણે કહ્યુઃ- જરા તમારો હાથ આગળ વધારો. હું ગવાહી આપું છું કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા એક છે. કોઈ બીજો અલ્લાહ નથી, મોહમ્મદ (સ.અ.વ.) તેના પયગંબર છે અને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ખુદાના ખલીફા છે. ખુદાની કસમ જ્યારે હું શામથી નીકળ્યો હતો તો મને કોઈ ઓળખતું ન હતું અને ઈરાકમાં પણ મને કોઈ ઓળખતું ન હતું.

ત્યારબાદ તેની ઝીંદગી ઈમાન અને ઈસ્લામ મુજબ બેહતરીન ઝીંદગી પસાર થઇ.

(ઈરશાહલ કોલુબ, પાના નં. ૪૩૭, ફરહતુન્નવી, પાના નં. ૧૪૬)

(૪) અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના પવિત્ર હરમની ૧૦૦ વરસ ખીદમતઃ-

હી.સ. ૫૦૧ ની વાત છે જ્યારે નજફે અશરફમાં મોંઘવારી ખુબજ ટોચ ઉપર હતી. ત્યાં સુધી કે રોટી પણ સામાન્ય જનતાની પહાંચની બહાર હતી. ચાલીસ દિવસ આમ જ પસાર થઈ ગયા. ગરીબી અને મુફલીસીના કારણે લોકો ગામડામાં સ્થળાંતર કરી રહ્યા હતા. હજી સુધી બાકી રહીજનારાઓમાં ફકત અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ના પવિત્ર હરમના ધ્યાન રાખનાર અબુલ બકા બીન સવીકા હતા, જે એકસો દસ (૧૧૦) વરસનાં ઝઈફ અને વૃધ્ધ અશકત શરીરના હતા. બધી સખ્તીઓ હોવા છતાં ઈમામ (અ.સ.) ની બારગાહ છોડવા તૈયાર ન હતા. અંતે તેમની પત્નિ અને દીકરીઓએ કહ્યું, સહન નથી થતી. તમે પણ લોકોની જેમ કરો કદાચ કોઈ હલ નીકળી આવે અને આપણે ઝીંદગી પસાર કરી શકીએ. અબુલબકાએ પણ જવાનો ઈરાદો કરી લીધો. મૌલા (અ.સ.) ના પવિત્ર હરમમાં આવ્યા, ઝિયારત, નમાઝો અદા કર્યા પછી મૌલાના સરની બાજુ આવીને બેસી ગયા અને ફરમાવ્યું, અય આકા! ૧૦૦ વરસથી હું આપની ખિદમત કરી રહ્યો છું અને આ સમયગાળા દરમ્યાન કયારેય તમારાથી જુદા નથી થયો. મોંઘવારી અને  એ મારો અને બચ્ચાઓની હાલત કફોડી કરી નાખી છે. છતાં પણ આપનાથી રૂખ્સત થઈ રહ્યો છું અને મારા અને તમારા દરમ્યાન આ જુદાયી થઈ રહી છે.

આમ કહીને રવાના થઈ ગયા. અબુલબકાની સાથે બીજા લોકો પણ હતા અને તેમની સાથે ભાડાની સવારી પણ હતી. નજફથી દુર નીકળી ચુકયા હતા. રસ્તા ઉપરથી પસાર થતા હતા. એટલામાં કહેવા લાગ્યામ હજુ તો સમય ઘણો છે એટલા માટે અહીં થોડો સમય પડાવ નાખીએ. બધા લોકો નીચે આવી ગયા. અબુલબકા પણ નીચે ઉતરી ગયા. આરામ કરવા માટે સુતાજ હતા ત્યાં તો ઉંઘ પણ આવી ગઈ. સ્વપ્નમાં અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની ઝિયારત થઈ. મૌલા (અ.સ.) કહી રહ્યા હતાઃ

અય અબુલબકા આટલા દિવસ ખિદમત કર્યા પછી મારાથી જુદા થઈ જાવ છો ? જ્યાં હતા ત્યાં પાછા ફરી જાવ.

અબુલબકા રોતા રોતા જાગી ગયા. લોકોએ પુછયું, શા માટે રોવો છો ? તેમણે પોતાનું આખુ સ્વપ્ન બયાન કર્યુ અને તરતજ પાછા ફર્યા. ઘરે પહોંચ્યા જ હતા કે છોકરીઓએ ફરીયાદ કરવાનું શરૂ કર્યુ. અબુલબકા આખો કીસ્સો વર્ણવી ઘરની બહાર નીકળી ગયા અને અબુઅબ્દુલ્લાહ બીન શહરયારથી હરમની ચાવી લઈને પહેલા મુજબ ખિદમત કરવાનું ફરી શરૂ કરી દીધું.

અબુલબકા કહે છે ત્રણ દિવસ થવા પછી એટલે કે ત્રીજા દિવસે એક શખ્સ પોતાની પીઠ ઉપર ભારો રાખીને આવ્યો. બીલ્કુલ એવી રીતે જેવી રીતે લોકો મક્કા ચાલીને જાય છે. તેણે પોતાનો ભારો ખોલ્યો અને તેમાંથી એક લીબાસ કાઢયો અને તે પહેરીને પવિત્ર હરમમાં દાખલ થઈ ગયો. ઝિયારત, નમાઝ અદા કર્યા પછી મને પૈસા આપ્યા અને કહ્યું, કંઈક ખાવાની વસ્તુઓ લઈ આવો જેથી ખાઈએ. અબુલબકા બજારમાં જઈને થોડી રોટી, દુધ અને ખજુર લઈને હાજર થયા. આવનારે કહ્યું, મારા માટે રોટી અને મુરઘી લઈ આવો. મેં બજારમાંથી રોટી અને મુરઘી લાવી આપી.

ઝોહરની નમાઝનો સમય થઈ ગયો. અબુલબકા ઝોહર અને અસ્રની નમાઝ અદા કરીને પોતાના ઘરની તરફ રવાના થઈ ગયા. આવનાર શખ્સ પણ તેમની સાથે હતો. ખાવાનું હાજર કર્યુ, બધાએ ખાધું. આવનારે હાથ ધોયા પછી અબુલબકાને સંબોધીને કહ્યું, અય અબુલબકા! સોનું વજન કરવાનું લઈને આવો. અબુલબકા જેમાં નાના મોટા બધા વજન તોલા રાખેલા હતા. ત્યાં સુધી કે ઘઉં અને ચાવલનું વજન કરવાના તોલા પણ હતા. આવનારે બધા વજનના તોલા લઈને વજન કાંટાના એક પલ્લામાં મુકયા અને સોનાથી ભરેલી એક થેલીમાંથી સોનું કાઢી કાઢીને બીજા પલ્લામાં રાખ્યું. બધા તોલાના વજન બરાબર સોનાનું વજન કરીને હરમનાં રખેવાલના દામનમાં નાખી દીધું.

અને જે બચ્યું તેને મુકી દીધું અને બંધ કરીને લીબાસ બદલાવી નાખ્યો. રખેવાલે કહ્યું, અય મારા સરદાર! અમે આનું શું કરીએ? તેણે કહ્યું, આ બધું તમારૂં છે. પુછયું, પરંતુ કોના તરફથી છે? જવાબ આપ્યો, તેની તરફથી કે જેણે તમને ફરી વખત હરમની ખિદમત કરવાનો હુકમ આપ્યો હતો તેની તરફથી છે અને કહ્યું કે વજનના તોલાની બરાબર સોનું આપી દો. અગર તમે આનાથી વધારે વજનના તોલા લાવ્યા હોત તો એટલું સોનું આપત.

અબુલબકા આ સાંભળીને બેહોશ થઈ ગયા. આવનાર ચાલ્યો ગયો. પછી શું હતું! અબુલબકાના દિવસો સારા પસાર થવા લાગ્યા. છોકરીઓના લગ્ન કરી આપ્યા. ઘર આબાદ થઈ ગયું. મૌલાની કરામતથી અબુલબકાની ખુશી અને રાહતનો પાર ન રહ્યો.

(ફરહતુલ ગરા, પાના નં. ૧૪૯, બેહાર, ભાગ-૪૪, પાના નં. ૩૨૧, હદીસ નં. ૮)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*