શું અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા?
અગાઉના ઈતિહાસકારોએ જે રિવાયતોને અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ની શહાદતના બારામાં નોંધી છે અને શીઆ તથા સુન્ની બંનેએ પોતાની કિતાબોમાં વર્ણવી છે તેનાથી તે માલુમ પડે છે કે અલી (અ.સ.) ખવારીજ લોકોના પ્રપંચથી શહીદ કરવામાં આવ્યા હતા.
જ્યારે જંગે નહેરવાનનું ખુની તોફાન થંભી ગયું ત્યારે ખવારીજના અમુક લોકો ભેગા થયાં અને માર્યા ગએલા લોકો ઉપર રોવાનું શરૂ કર્યુ. તેઓ રોતા જતા હતા અને માર્યા ગએલાની ઈબાદત, ઈતાઅત અને શૌર્યનું વર્ણન પણ કરતા જતા હતા. પછી કહેતા હતા કે આ બધા ફિત્નાઓ ફકત ત્રણ વ્યકિતઓના લીધે થઈ રહ્યા છે.
(૧) અલી અ.સ.
(૨) અમ્રે આસ
(૩) મોઆવીયા.
જ્યાં સુધી આ ત્રણ વ્યકિતઓ જીવંત છે ત્યાં સુધી મુસલમાનોના કાર્યો, હાલતની સુધારણા અને વિકાસ શકય નથી. આ સમૂહમાંથી ત્રણ વ્યકિતઓએ આ ત્રણ લોકોને કત્લ કરવાની જવાબદારી પોતાના શીરે લઈ લીધી.
(૧) અબ્દુર રહેમાન બિન મુલ્જીમે હઝરત અલી અ.સ. ને કત્લ કરવાની જવાબદારી લીધી.
(૨) બરક બિન અબ્દુલ્લાહે મોઆવીયાને કત્લ કરવાની જવાબદારી લીધી.
(૩) અમ્ર બિન બક્ર તમીમીએ અમ્ર બિન આસને કત્લ કરવાની જવાબદારી લીધી
અને કહેવા લાગ્યાઃ- આ કામને સંપૂર્ણતા સુધી પહોંચાડવા માટે માહે મુબારકે રમઝાનને પસંદ કરીએ એટલા માટે કે આ લોકો માહે રમઝાનમાં મસ્જીદોમાં આવે છે અને ૧૧ મી અથવા ૧૩ મી અને ૧૭ મી રાતને અથવા તો જેમકે શીઆઓની નજીક મશ્હુર છે માહે રમઝાનની ૧૯ મી રાતે નક્કી કર્યુ. આ રાત્રીઓને એટલા માટે પસંદ કરવામાં આવી કારણકે આ રાત્રીઓમાં તેઓ મસ્જીદમાં આવવા માટે બંધાએલા હતા. બસ પછી જેણે અમ્ર બિન આસને કત્લ કરવાની જવાબદારી લીધી હતી તેણે અમ્રના બદલે તેને મારી નાંખ્યો જે તે દિવસે અમ્રની જગ્યાએ નમાઝ પઢાવવા આવ્યો હતો અને જે મોઆવીયાને મારવા આવ્યો હતો તેની તલવાર મોઆવીયાની સાથળ ઉપર પડી તે ઝખ્મી થયો પરંતુ દવા અને ઈલાજ વડે પાછો સાજો થઈ ગયો પરંતુ ઈબ્ને મુલ્જીમે પોતાની બુરી નિય્યતને સંપૂર્ણ રીતે પૂરી કરી!!!??
જયારે આ રિવાયતોને તારીખે તબરી, તારીખે યાકુબી, ઈરશાદે મુફીદ, તબકાતે ઈબ્ને સઅદ જેવી કિતાબોમાંથી અભ્યાસ કરવામાં આવે (અમૂક વિરોધાભાસની ) તો કંઇક અલગ જ કારણ જોવા મળે છે.
શું કત્લ કરવા પાછળની હકીકત સાચી છે કે પછી આ કારણ મન ઘડત અને દુશ્મનના પ્રપંચને છુપાવવા માટે છે?
સવાલ એ છે કે શું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની શહાદતનો જે કિસ્સો વર્ણવવામાં આવે છે તે હકીકતમાં સાચો છે?
જવાબ એ છે કે આ દાસ્તાન સાચી નથી. શરૂઆતથીજ આ દાસ્તાન ઘડી કાઢેલી હોવાનું સ્પષ્ટ રીતે જાહેર થાય છે.
દાસ્તાન લખનાર નિષ્ણાંતોએ પોતાના વિચારોમાં લખ્યુ છે કે માહે રમઝાનમાં આ ત્રણેય મસ્જીદમાં ઉપરોક્ત વ્યક્તિ આવે છે અને ૧૯ મી રાત્રે તો તેમનું આવવું ચોક્કસ છે.
- અમીરૂલ મોઅમેનિન (અ.સ.) ને ૧૯ મી રાત્રે ઈબ્ને મુલ્જીમે ઝરબત (તલ્વારનો જીવલેણ ઘા) મારી તેમાં કોઈ શક નથી
- પરંતુ તે શખ્સ કે જે અમ્ર બિન આસને કત્લ કરવા ગયો હતો તેણે અમ્ર બિન આસની બદલે તે શખ્સને શા માટે મારી નાખ્યો જેનું નામ ખારીજા હતું. શું અમ્ર બિન આસ કોઈ એવો માણસ હતો કે જે કાતીલ માટે અજાણી વ્યકિત હતો કે તેને તે ઓળખીજ ન શકયો?? છેવટે તે રાત્રે અમ્ર બિન આસ મસ્જીદમાં શા માટે ન ગયો?? શું કોઈએ તેને કાતીલના પ્રપંચથી આગાહ કરી દીધો હતો??
આ સંબંધિત જે વાત સાચી અને યોગ્ય રીતે કહી શકાય તે એમ છે કે
- પહેલા તો આ સંપૂર્ણ પ્રપંચનું સારી રીતે વિશ્લેષણ કરવું જોઈએ. કારણકે તેના તાર કુફા અને દમીશ્ક સુધી ફેલાએલા છે. જેમકે લખવામાં આવ્યું છે કે મોઆવીયા સારી પેઠે જાણતો હતો કે જ્યાં સુધી અલી અ.સ. જીવતા છે ત્યાં સુધી તેને ખિલાફત મળવી અશક્ય છે.
- અશઅસ બિન કય્સ કે જે અમીરૂલ મોઅમેનિન અલી(અ.સ.) સાથે દિલથી રાજી ન્હોતો. ઈબ્ને અબીદદુનિયા, વફાત ૨૮૧, એ પોતાની કિતાબ “મકતલે અમીરૂલ મોઅમેનિન અલી બિન અબી તાલિબ (અ.સ.)” માં સનદોની સાથે અબ્દુલ ગફફાર બિન કાસીમે અન્સારીથી નકલ કર્યુ છે (આ કિતાબ તબરી અને યાકુબી કરતાં પણ જુની છે.)
“મેં ઘણા બધા લોકોથી સાંભળ્યું છે કે તે રાત્રે ઈબ્ને મુલ્જીમ અશઅસની પાસે હતો અને જ્યારે સેહરીનો સમય થઈ ગયો તો તેણે કહ્યું કે “સવાર થઈ ગઈ” છે.”
અગર તે ત્રણેયે એવું નક્કી કર્યુ હતું તો પછી ઈબ્ને મુલ્જીમ અશઅસની સાથે તે રાત્રે મસ્જીદમાં શું કરી રહ્યો હતો? શા માટે ત્યાં બેઠક થઈ રહી હતી? શું તે વાત માનવામાં આવી શકે છે કે જે શખ્સ છુપી રીતે અલી અ.સ. ને કત્લ કરવા માંગતો હતો તે પોતાના ભેદ બીજાને જણાવે (તે પણ અશઅસ જેવા વ્યકિતને)!!!?
બાલાઝરીએ અન્સાબુલ અશ્રાફમાં નકલ કર્યુ છે કેઃ
“ઈબ્ને મુલ્જીમ તે રાત્રે અશઅસ બિન કય્સની સાથે હતો અને તે તેની સાથે ગુસપુસ (ભેદની વાતો) કરી રહ્યો હતો. ત્યાં સુધી કે અશઅસે કહ્યું, ઉભો થા કે હવે સવાર થવા આવી છે (જલ્દી કર કે લોકો સવારની રોશનીમાં તને ઓળખી ન જાય) (અન્સાબુલ અશ્ રાફ, પાના નં. ૪૯૩)
અને લોકોએ આ પણ નકલ કર્યુ છે કે જ્યારે ઈબ્ને મુલ્જીમે અલી અ.સ. ની ગરદને મુબારક ઉપર તલવાર મારી દીધી તો અશઅસે પોતાના દિકરાને અલી અ.સ. ના ઘરે મોકલ્યો અને કહ્યું કે જોઈ આવ તો અલી અ.સ. ની હાલત કેવી છે?? તેણે આવીને કહ્યું, તેમની આંખો અંદર ધસી ગઈ છે. ત્યારે અશઅસે કહ્યું, ખુદાની કસમ તેમની આંખો બતાવી રહી છે કે ઝહેરની અસર તેમના મગજ સુધી પહોંચી ગઈ છે.
(મકતલે અમીરૂલ મોઅમેનિન, પાના નં. ૩૭, તકબાતે ઈબ્ને સાઅદ, ભાગ-૩, પાના નં. ૩૭)
આ પ્રપંચ ઉપર ધ્યાનથી વિચાર કરવામાં આવે તો તેનો એક છેડો કુફામાં અશઅસ બિન કય્સની તરફ જોવા મળશે અને બીજો છેડો દમીશ્કમાં મોઆવીયા ઉપર પુરો થશે… એટલા માટે કે તે વાત બયાન થઈ ચુકી છે કે અશઅસ અલી અ.સ. થી રાજી ન હતો. કારણકે અલી અ.સ. એ તેને હુકુમતમાંથી હાંકી કાઢયો હતો અને મીમ્બર ઉપરથી મુનાફીક અને કાફીરના દિકરા કહીને તેની ઓળખાણ કરાવી હતી.
અલ્લામા શેગરસ્તાની એ લખ્યું છેઃ “અલી અ.સ. થી બગાવત કરનારાઓમાં અશઅસ સૌથી વધારે સખત અને દીનથી ફરી જનારાઓમાં સૌથી આગળ હતો.”
(અલ મેલલ વવ નહેલ, ભાગ-૧, પાના નં. ૧૭૦, અલી અઝ ઝબાને અલી અથવા ઝીન્દગાનીએ અમીરૂલ મોઅમેનિન, પાના નં. ૧૫૭, ડો. સૈયદ જઅફર શહીદી, ખબર ગુઝારીએ શબીસ્તાનમાંથી નોંધ)
Be the first to comment