ઘણા બધા મુસલમાનો રસુલે ખુદા (સ.અ.વ)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત પર ગમ મનાવાને કે સીનાઝ્ની કે નૌહાને હરામ જાણે છેહાલાકે કદાચ આં તેઓની અજ્ઞાનતા અથવા તો ઈતિહાસ પર પુરતી નજર ન કરવાના કારણે હોય શકે છે અથવા તો તેઓની હઠધર્મી છે હાલાકે ઇતિહાસથી એકદમ સ્પષ્ટરીતે સાબિત છે કે ઈમામ હુસૈન (અ.સ) પર રુદન કરવું તેમના ગમમાં નૌહા અને સીનાઝની જાએઝ છે અને પયગંબર (સ.અ.વ)ની સુન્નત છે.
જવાબ: –
- જ.યાકુબનું જ.યુસુફની યાદમાં રુદન
- રસુલે ખુદા (સ.અ.વ.)નું જ.હમ્ઝાની શહાદત પર રુદન કરવું.
- રસુલે ખુદા (સ.અ.વ.)નું જ.જાફરે તૈયાર ની શહાદત પર રુદન
- ઈમામ હુસૈન (અ.સ)ની શહાદતની ખબર પર ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)નું રુદન
(૧) જ.યાકુબનું જ.યુસુફની યાદમાં રુદન
સૌપ્રથમ કુરઆનમાં જ. યાકુબ (અ.સ)ના રુદન બાબતે વર્ણન છે તેના તરફ ધ્યાન આપીએ .
કુરઆને કરીમે જનાબે યૂસુફ (અ.સ.)ની દાસ્તાનને ‘એહસનુલ – કસસ’ તરીકે વર્ણન કર્યું છે અને કુરઆનમાં બીજા કીસ્સાઓની સરખામણીએ આ કિસ્સાનું વર્ણન વધારે વિગતથી કરવામાં આવ્યું છે. જ્યારે જનાબે યુસુફ (અ.સ.) તેમના ભાઇઓની અદેખાઇ અને ઈર્ષાનો ભોગ બનીને તેમના પિતાની નજરોથી દૂર થઇ ગયા, તો આ ઘટનાની જનાબે યઅકૂબ (અ.સ.) પર એટલી બધી ગંભીર અસર પડી કે તેઓ સતત રડતા રહ્યા તબરીએ તેમની તફસીરમાં આ ઘટનાનું વર્ણન કરેલ છે. જનાબે યૂસુફ (અ.સ.)એ, જ. યઅકૂબ (અ.સ.)ની જુદાઇ વખતે જ. જીબ્રઇલ (અ.સ.)ને પુછયું હતું કે : ‘મારી જુદાઇમાં મારા પિતાની હાલત કેવી થઇ છે’? જીબ્રઇલ (અ.સ.)એ જવાબ આપ્યો કે : ‘કોઇ માતા પોતાની૭૦ (સિત્તેર) અવલાદના મૃત્યુથી જેવું દુ:ખ અનુભવે તેવી હાલત તમારા વિયોગમાં હઝરત યઅકૂબ (અ.સ.)ની થઇ છે.’ત્યારે જ. યુસુફ (અ.સ.)એ પુછયું કે ‘તેમની આ હાલત માટે અલ્લાહ તરફથી તેમને (હ. યઅકૂબ (અ.સ.)ને) શું અજ્ર મળશે?’ત્યારે જીબ્રઇલ (અ.સ.)એ જવાબ આપ્યો: ‘૭૦ (સિત્તેર) અથવા૧૦૦ (એકસો) શહીદોનો સવાબ મળશે.’
આ વાત પણ તબરીએ પોતાની તફસીરમાં હસને બસરીના હવાલાથી નોંધી છે. હઝરત યુસુફ (અ.સ.) અને હઝરત યઅકૂબ (અ.સ.) વચ્ચે૮૦ (એંસી) વર્ષ સુધી વિયોગ રહ્યો હતો. પરંતુ આ સમય દરમ્યાન જ. યઅકૂબ (અ.સ.)નો ગમ એક દિવસ પણ ઓછો થયો ન હતો. તેઓ એટલું બધું રડ્યા કે તેમની આંખો સફેદ (નૂર વિહીન) થઇ ગઇ હતી.
ઉપરોકત બનાવ સ્પષ્ટ છે કે મઝલુમ પર રુદન કરવું જાએઝ છે અગર રુદન હરામ હોતે તો જ. યાકુબ (અ.સ) કે જે અલ્લાહના નબી છે તેઓ કદાપી જ.યુસુફ (અ.સ)ની જુદાઈ પર રુદન ન કરતે જ્યારે કે ઈમામ હુસૈન (અ.સ)ની મુસીબત જ. યુસુફ (અ.સ) કરતા ઘણી બધી વધારે છે.
(૨) રસુલે ખુદા (સ.અ.વ.)નું જ.હમ્ઝાની શહાદત પર રુદન કરવું.
અને ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)એ જ. હમઝાની શહાદત પર તેમજ જનાબે જાફરે તૈયારની શહાદાત પર તેમજ ઈમામ હુસૈન અ.સ. ની શહાદાતની ખબર પર રુદન કર્યું છે જે સ્પષ્ટ કરે છે રુદન કરવું એ પયગંબર (સ.અ.વ)એ સ્થાપિત કરેલ સુન્ન્તોમાંથી છે/
જ.હમઝા કે જે ઇસ્લામ અને રસુલેખુદા (સ.અ.વ.)ના મજબૂત ટેકેદાર હતા. તેમની શહાદતથી રસુલેખુદા (સ.અ.વ.) ઉપર અત્યંત ગમનાક અસર થઇ અને ગમમાં મુબ્તેલા થયા અને રસુલે ખુદા (સ.અ.વ.) જ.હમઝાની જુદાઈમાં અત્યંત ઝારોકતાર ગીર્યા કરવા લાગ્યા.
- અલ મોજમ અલ કબીર, ભાગ-૩, પાના:- ૧૫૧.
- નસબ અલ રયાહ લે હદિસ અલ હિદાયા, ભાગ-૩, પાના:-૩૦૯.
જયારે રસુલેખુદા (સ.અ.વ.)ને જ.હમઝાની લાશ ખૂનમાં ડૂબેલી મળી, રસુલેખુદા (સ.અ.વ.)એ એમના ઉપર રૂદન કર્યું અને જયારે તેમને જાણ થઇ કે તેમના જીસ્મને પામાલ કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ (સ.અ.વ.) ચીખ પુકારીને રડવા લાગ્યા.
- અલ કામિલ ફી ઝોઅફા અલ રેજાલ, ભાગ:- ૬, પેજ:- ૪૦૯.
રસુલે ખુદા (સ.અ..વ.)નું જ.હમઝાની શહાદત ઉપર ગિરયા કરવું. આ વાત મુસલમાનો માટે ગિરયા કરવા માટે દાખલારૂપ છે.
ઈબ્ને મસૂદ ફરમાવે છે : “અમે ક્યારેય રસુલેખુદા (સ.અ.વ.)ને આની પેહલા આવી રીતે કોઈના ઉપર ગિરયા કરતા નથી જોયા જેવી રીતે તેઓ તેમના કાકા જ.હમઝાની શહાદત ઉપર રૂદન કર્યું હતું. આપ (સ.અ.વ.)એ તેમની મય્યતને કીબ્લારૂખ રાખીને તેમની પાસે બેસી ગયા અને એવી રીતે ચીખ મારીને રડવા લાગ્યા કે જાણે તે બેહોશ થઇ જાત.”
- ઝખાએર અલ ઉકબાહ ભાગ-૧, પાનાં:- ૧૮૧.
- અલ સીર્રહ અલ હલબીય્યહ,ભાગ-૨,પાનાં:- ૫૩૪.
શું રસુલેખુદા (સ.અ.વ.)નું આવી રીતે જ.હમઝાની મય્યત ઉપર રૂદન અને નૌહા કરવું, શીઆઓનું ઇમામ હુસૈન(અ.સ.) ઉપર રુદન અને નૌહા જેવું નથી?
(૩) રસુલે ખુદા (સ.અ.વ)નું જ. જાફરે તૈયાર(અ.સ)ની શહાદત પર રુદન
હઝરત જાફરે તૈય્યાર (અ.સ) નબી (સ.અ.વ) ના પ્રથમ પિત્રાઈ ભાઈ હતા. તે મોઅતા નામની જંગના પ્રમાણભૂત વાહક હતા અને જંગમાં તે શહાદત પામ્યા હતા. જેવી પવિત્ર નબી (સ.અ.વ) ને શહાદતની ખબર આપવામાં આવી કે તરતજ તેઓ તેમના પુત્રને મળવા પોહચી ગયા.
જયારે પવિત્ર નબી (સ.અ.વ) જાફર (અ.સ) ના ઘરમાં પ્રવેશ્યા, ત્યારે તેણે તેમને એક બાજુ બોલાવીને બોસો આપ્યો ત્યારે તેમની આંખ આંસુઓથી ભરાઈ ગઈ.
જયારે જાફર (અ.સ) ના પત્ની (અસ્મા) આ જોયું તો તેણી સમજ્યા કે તેના પતિને સંબંધિત કંઇક વાત છે. ત્યારે તેણીએ પૂછ્યું : મારા માં-બાપ આપના પર કુરબાન થાય, જાફર (અ.સ) અને તેના સાથીઓના કઈ સમાચાર છે?
આપ (સ.અવ)એ કહ્યું : હા! આજે તે શહાદત પામ્યા છે.
જ.અસ્મા મોટેથી રડવા લાગ્યા અને બીબીઓએ તેમને ઘેરી લીધા. હઝરત ફાતેમા (સ.અ) ઘરમાં પ્રવેશ્યા અને રડતા રડતા બોલ્યા “અય મારા ચાચા”
નબી (સ.અ.વ) એ કહ્યું : જાફર (અ.સ) ઉપર રડવું જોઈએ
- મુસ્ન્દ એહમદ ઇબ્ને હમ્બલ ભાગ ૬ પાના ૩૭૦ હદીસ ૨૭, ૧૩૧
- અલ-સિરાહ અલ-નબવીય્યાહ ભાગ ૫ પાના ૩૧
- અલ-સિરાહ અલ-હલબીય્યાહ ભાગ ૨ પાના ૭૯૦
(૪) ઈમામ હુસૈન (અ.સ)ની શહાદતની ખબર પર ખુદ રસુલુલ્લાહ (સ.અ.વ)નું રુદન
જનાબે ફાતેમા (સ.અ.)ને ત્યાં ઇમામ હુસૈન (અ.સ.)ની વિલાદત થઇ ત્યારે જ.ફાતેમા (સ.અ)નું બયાન છે કે એક દિવસ હું રસૂલે ખુદા (સ.અ.વ.)ની ખિદમતમાં હાજર થઇ અને મેં મારી પાસેથી ઇમામ હુસૈન (અ.સ.)ને આપ(સ.અ.વ.)ના ખોળામાં આપ્યા. મેં જોયું કે રસૂલે ખુદા (સ.અ.વ.)ની આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે. મેં અર્ઝ કરી કે. અય અલ્લાહના રસૂલ (સ.અ.વ.) મારા માં-બાપ આપની ઉપર કુરબાન થઇ જાય, આપને આ શું થયું? ફરમાવ્યું: જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને મને ખબર આપી કે મારી ઉમ્મત મારા આ ફરઝંદને કત્લ કરી નાખશે.
મેં પુછયું આ ફરઝંદને (હુસૈન (અ.સ))
તો આપ (સ.અ.વ)એ ફરમાવ્યું: “હા”, અને જીબ્રઇલ (અ.સ.)એ મને તેની આ લાલ માટી પણ આપી છે.
- મુસ્તદરકુસ સહીહૈન, ૧૭૬/૩,
- મજમઉઝ/ઝવાએદ૧૭૯/૯
ઉપરોક્ત દરેક બનાવો સ્પષ્ટ સાબિત કરે છે કે ઈમામ હુસૈન (અ.સ) પર રુદન કરવું તેમના ગમમાં નૌહા અને સીનાઝની જાએઝ છે અને પયગંબર (સ.અ.વ)ની સુન્નત છે.
Be the first to comment