મોહબ્બતે અલી (અ.સ.) – તમામ અકીદાઓનો સમુહ
અગર તમામ લોકો ચાહે કે મહાન નબીઓ (અ.મુ.સ.) સિવાય કોઈ શખ્સને તમામ ફઝીલતોના માલિક સાબિત કરે તો તેઓ સમગ્ર ઈન્સાનીય્યતમાં કોઈ વ્યક્તિને શોધી શકશે નહિ…
…બલ્કે એમ કહેવુ અતિશ્યોક્તિ નહિ કહેવાય કે દરેક નબી (અ.મુ.સ.)માં તમામ સર્વશ્રેષ્ઠતાઓ જોવા મળવી તે મુશ્કેલ બાબત છે.
પરંતુ ફકત અલી (અ.સ.)ની ઝાત જ એેકમાત્ર એવી હસ્તી છે કે જેમાં દરેક ફઝીલતો મૌજુદ છે અને જેના ઉપર અંબિયા (અ.મુ.સ.) પણ રશ્ક કરે છે.
મૌલાએ કાએનાત હઝરત અલી (અ.સ.)નું નામ સાંભળતા જ તેમના ચાહનારાઓના ચહેરા ખીલી ઉઠે છે, આંખો ચમકવા લાગે છે અને દિલ ખુશ થઈ જાય છે. અલી (અ.સ.)નું સ્થાન રણમાં ખજુરોના એક બગીચા સમાન છે.
અલ્લાહ તરફથી અલી (અ.સ.)ની મોહબ્બત મોઅમીન માટે એક શ્રેષ્ઠ નેઅમત છે અને આજ નેઅમતના ઝીક્રને પયગમ્બર (સ.અ.વ.) એ ઈબાદત કહી છે. તે કેવી રીતે શકય છે કે એક મોઅમીન અલી (અ.સ.)નો ઝીક્ર કરે અને ખુદાના ઝીક્રને ભુલી જાય?
દિલમાં અલી (અ.સ.)ની મોહબ્બત છે તો શુજાઅત છે, શુજાઅત ઈન્સાનને એવો બહાદુર બનાવી દે છે કે બંદો પોતાના મઅબુદ સિવાય કોઈનાથી પણ ડરતો નથી. ખુદાનો ખૌફ હકના રસ્તા ઉપર ચાલવાની દઅવત આપે છે અને હક અલી (અ.સ.)ની સાથે છે. અગર કોઈને હકની મઅરેફત થઈ ગઈ તો તેને અલી (અ.સ.)ની મઅરેફત થઈ ગઈ અને તે નજાત પામી ગયો. જે અલી (અ.સ.) સુધી નથી પહોંચ્યો તે હકથી ફરી ગયો અને જન્નતથી વંચિત થઈ ગયો.
ગદીરના દિવસે નેઅમતોની સંપૂર્ણતા અને દીનના સંપૂર્ણ થવા ઉપર જે લોકોએ અલી (અ.સ.)ને મૌલા તરીકે સ્વિકાર્યા અને બયઅત કરવાની સાથોસાથ મુબારકબાદ પણ આપી પરંતુ મોહબ્બત ન હોવાના કારણે તેઓ હકથી દૂર થઈ ગયા અને અલી (અ.સ.)થી અલગ થઈ ગયા… તેઓ ગુમરાહીની ખીણમાં પડી ગયા અને સકર (જહન્નમ જ) તેમનું હંમેશા માટેનું રહેઠાણ બની ગયું.
જ્યારે હકનો સાથ છૂટી ગયો તો અદ્લ પણ હાથમાંથી ચાલ્યુ ગયુ અને તેના સ્થાને ઝુલ્મ આવી ગયુ… જ્યારે અદ્લ નથી તો પછી તૌહીદનો શું અર્થ અને પછી નુબુવ્વત પણ શું ચીજ છે અને કયામત ઉપરથી પણ ભરોસો ઉઠી ગયો… કેવો હિસાબ અને કેવી કિતાબ.
જ્યારે દીન જ ન રહ્યો તો અલ્લાહની વહી પણ નુબુવ્વતનો ઢોંગ દેખાવા લાગી.
ઝાલીમ જ્યારે ઝુલ્મ કરે છે તો મોહબ્બત ચાલી જાય છે અને નફરત જન્મ લે છે અને પછી જ મસ્જીદોના મિમ્બરો ઉપરથી બુરૂ ભલુ કહેવાનો સિલસિલો શરૂ થાય છે…. પરિણામે કઠોર દિલમાં ઈમાનની કિરણ પણ ખત્મ થઈ જાય છે. જ્યારે કુલ્લે ઈમાનની સાથે બુગ્ઝ અને દુશ્મની હશે તો ઈમાનનું એક કણ પણ દિલમાં બાકી નહિ રહે. બીજી બાજુ મઝલુમ ઉપર જેમ-જેમ ઝુલ્મ વધતો જાય છે, તેમ તેમ ચાહનારાઓના દિલોમાં પોતાના મેહબુબ (ચહીતા) માટે મોહબ્બતમાં પણ વધારો થતો જાય છે.
અલી (અ.સ.) આ દુનિયામાં જ જન્નત અને જહન્નમના વહેંચનારા બની ગયા. જે તેમને વળગીને રહ્યો તેની આખેરતમાં કામીયાબ થઈ ગઈ અને જે અલી (અ.સ.)થી દૂર થયો તે દુનિયા અને આખેરત બન્નેમાં નુકસાનને પાત્ર બન્યો. તેને ન તો કોઈ સુરે ફાતેહા અને ન તો કોઈ દુરૂદ લાભ પહોંચાડશે. તે અલ્લાહના અઝાબથી સુરક્ષિત નહિ રહે, અલ્લાહ તઆલાએ પોતાના અઝાબથી ફકત તે જ લોકોને સુરક્ષિત રાખવાની બાંહેધરી લીધી છે કે જેઓ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતના કિલ્લામાં દાખલ થઈ ગયા છે.
પછી તેમનો અંજામ શું થશે… કે જેઓ અલી (અ.સ.)ની મોહબ્બતનો દાવો ફકત પોતાની ઝબાનથી કરે છે?… એક તરફી મોહબ્બત… અલી (અ.સ.)ના આખરી ફરઝંદ હઝરત હુજ્જત ઈબ્નીલ હસન (અ.ત.ફ.શ.)ની બારગાહમાં કઈ રીતે હાજર થઈ શકશે?
અલ્લાહ તઆલા આવા લોકોની હિદાયત ફરમાવે.
Be the first to comment