હુસૈન (અ.સ.) કોણ છે?

વાંચવાનો સમય: 3 મિનિટ

ઈમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યત ઘણા બધા પાસાઓથી બિનતુલનામત્ક છે. દા.ત. આપ(અ.સ.)નો વંશ. અગર મુસલમાનોએ ફકત આ ફઝીલત ઉપર જ ધ્યાન આપ્યું હોત તો તેઓને મોઆવિયા અને યઝીદ જેવા ઝાલીમો ઉપર આપ(અ.સ.)ની પસંદગી કરવામાં કોઈ મુશ્કેલી ન થાત.

અહિં એક રસપ્રદ રિવાયત છે કે જેમાં રસુલુલ્લાહ(સ.અ.વ.) એ ઈમામ હુસૈન(અ.સ.)ની મુસલમાનોને ઓળખાણ કરાવે છે. જેથી આપ(અ.સ.) અને આપના પિતા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની ખિલાફતના શ્રેષ્ઠ દાવા બાબતે કોઈ શંકા બાકી ન રહી જાય.

હુઝૈફા નકલ કરે છે:

મેં રસુલુલ્લાહ(સ.અ.વ.)ને જોયા કે આપ(સ.અ.વ.)એ પોતાના હાથોમાં ઈમામ હુસૈન(અ.સ.)ને તેડીને પોતાના ખભા ઉપર બેસાડયા અને પાછળથી તેમને ટેકો આપતા જતા હતા અને કહેતા જતા હતા:

અય લોકો! બેશક મારા પછી અત્યાચારીઓ કે જેઆ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની વિલાયતને છોડી દેશે, તેઓની સામે આ(ઈમામ હુસૈન અ.સ.) મારી સંપૂર્ણ હુજ્જત છે. આગાહ થઈ જાવ! જે કોઈ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.)ની વિલાયતને છોડી દે છે તે દીનમાંથી નિકળી જાય છે.

અય લોકો! આ હુસૈન(અ.સ.) કે જે અલી(અ.સ.)ના ફરઝંદ. આપ આપના નાના અને નાનીની જેમ શ્રેષ્ઠ લોકોમાંથી છે. આપના નાના રસુલુલ્લાહ(સ.અ.વ.) છે, ઈન્સાનીય્યતના રહેબર અને આપના નાની જનાબે ખદીજા(સ.અ.) છે કે જેઓ અલ્લાહ અને તેના રસુલ(સ.અ.વ.) ઉપર ઈમાન લાવવામાં સૌ પ્રથમ હતા.

આ હુસૈન(અ.સ.) છે! આપના પિતા અને માતાની જેમ શ્રેષ્ઠ લોકોમાંથી છે. આપના પિતા હઝરત અલી ઈબ્ને અબી તાલિબ(અ.સ.) છે કે જેઓ દુનિયાઓના પાલનહારના રસુલના જાનશીન છે અને રસુલ(સ.અ.વ.)ના વઝીર અને ભાઈ છે અને આપની માતા જનાબે ફાતેમા(સ.અ.) કે જે અલ્લાહના રસુલ મોહમ્મદ(સ.અ.વ.)ના દુખ્તર છે.

આ હુસૈન(અ.સ.) છે! આપના કાકા અને ફઈની જેમ શ્રેષ્ઠ લોકોમાંથી છે. આપના કાકા જનાબે જઅફર ઈબ્ને અબી તાલિબ(અ.સ.) છે કે જેમને પાંખો દ્વારા શણગારવામાં આવ્યા છે અને તેઓ જન્નતમાં જ્યાં ચાહે ત્યાં ફરે છે અને આપના ફૂઈ ઉમ્મે હાની કે જેઓ જનાબે અબુ તાલિબ(અ.સ.)ની દુખ્તર છે.

 

આ હુસૈન(અ.સ.) છે કે જેમના મામા અને માસીને જેમ શ્રેષ્ઠ લોકોમાંથી આપના મામા કાસીમ, રસુલુલ્લાહ(સ.અ.વ.)ના ફરઝંદ અને આપના માસી ઝયનબ, અલ્લાહના રસુલ મોહમ્મદ(સ.અ.વ.)ની દુખતર.

ત્યાર બાદ આપ(સ.અ.વ.)એ ઈમામ હુસૈન(અ.સ.)ને પોતાના ખભા ઉપરથી નીચે ઉતાર્યા. આપ(અ.સ.) આં હઝરત(સ.અ.વ.)ની સામે ચાલ્યા. પછી આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અને આ હુસૈન(અ.સ.) છે! આપના નાના જન્નતમાં છે, આપની નાની જન્નતમાં છે, આપના પિતા જન્નતમાં છે, આપની માતા જન્નતમાં છે, આપના કાકા જન્નતમાં છે, આપની ફૂઈ જન્નતમાં છે, આપના મામા જન્નતમાં છે, આપની માસી જન્નતમાં છે. આપ જન્નતમાં હશો અને આપના ભાઈ(હસન અ.સ.) પણ જન્નતમાં હશે.

પછી આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય લોકો! જે ઈમામ હુસૈન(અ.સ.)ને અતા કરવામાં આવ્યું છે તે અગાઉના અંબીયા(અ.મુ.સ.)ની આલમાંથી કોઈને અતા કરવામાં નથી આવ્યું હત્તા કે અલ્લાહના દોસ્ત હઝરત યુસુફ ઈબ્ને યઅકુબ ઈબ્ને ઈસ્હાક ઈબ્ને ઈબ્રાહીમને પણ અતા કરવામાં નથી આવ્યું.

પછી આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય લોકો! બેશક ઈમામ હુસૈન(અ.સ.)ના નાના જનાબે યુસુફ(અ.સ.)ના નાના કરતા બહેતર છે. તેથી ઝમાનાની કોઈ બાબત તમને શંકામાં ન નાખે કે જે ફઝીલત, અઝમત, મકામ અને વિલાયત રસુલુલ્લાહ(સ.અ.વ.) અને આપના એહલેબૈત(અ.મુ.સ.) ધરાવે છે તે બીજું કોઈ ધરાવતું નથી. તેથી શંકાઓને તમારો નાશ ન કરવા દો.

  • અલ તરાએફ, ભાગ-1, પા. 119-120
  • બેહારૂલ અન્વાર, ભાગ-23, પા. 111

 

રસુલુલ્લાહ(સ.અ.વ.)નું ઈમામ હુસૈન(અ.સ.)ના વિસ્તૃત પરિચયથી એ સ્પષ્ટ છે આં હઝરત(સ.અ.વ.) કરબલાના બનાવનો વિચાર કરી રહ્યા છે જ્યાં ઈમામ હુસૈન(અ.સ.)ને યઝીદ દ્વારા શહીદ કરવામાં આવશે અને તે પોતાની જાતને ઈમામ હુસૈન(અ.સ.) કરતા અફઝલ માનતો હતો અને કોઈ પણ હાલમાં ઈમામ હુસૈન(અ.સ.)ની બયઅત તલબ કરતો હતો.

હઝરત રસુલે અકરમ(સ.અ.વ.) તમામ મુસલમાનોની સામે એ સ્પષ્ટ કરવા ઈચ્છતા હતા કે ઈમામ હુસૈન(અ.સ.) અને યઝીદ વચ્ચે કોઈ પણ પ્રકારની સરખામણી થઈ શકતી નથી. ઈમામ હુસૈન(અ.સ.) પોતાના પાકો પાકીઝા વંશ થકી મુસલમાનો દરમ્યાન અજોડ છે અને મોઆવિયા અને તેનો દિકરો યઝીદ પોતાની હલ્કી વંશવાલીથી ઈમામ હુસૈન(અ.સ.) સાથે સરખામણીને લાયક નથી તથા ખિલાફતનો કોઈ હક્ક ધરાવતા નથી.

સામાન્ય અરબો અને ગૈર અરબોને જવા દયો બલ્કે યુસુફ(અ.સ.) કે જેઓ જનાબે ઈબ્રાહીમ(અ.સ.)ની ચોથી પેઢીમાંથી છે તેઓની પણ ઈમામ હુસૈન(અ.સ.) સાથે સરખામણી નથી થઈ શકતી.

 

અલબત્ત, મુસલમાનો પોતાની હિકમતમાં જીગર ચાવવાવાળીના દિકરા અને ઈસ્લામ તથા રસુલ (સ.અ.વ.)ના દુશ્મનો મોઆવિયા અને યઝીદ જેવા લોકોની તરફેણમાં એકમત થયા અને રસુલ (સ.અ.વ.)ના ફરઝંદો ઈમામ હસન(અ.સ.) અને ઈમામ હુસૈન(અ.સ.)ને પોતાની ઉપર હુકુમત કરવા માટે લાયક ન જાણ્યા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*