શંકાખોરો “કરબલાની જંગ હક્ક અને બાતિલ વચ્ચેની જંગ હતી” આ વાતનો ઇન્કાર કરે છે અને તેઓ એવું ગુમાન કરે છે કે આ જંગ બે રાજકુમારો વચ્ચેની જંગ હતી જે શાસન/સત્તા મેળવવા માટે લડાઈ હતી.
તેઓ ઈમામ હુસૈન (અ.સ.) વિરુદ્ધ એવી દલીલ રજુ કરે છે કે અગર ઈમામ હુસૈન (અ.સ.)હક્ક પર હતા તો પછી
- શા માટે તે સમયના મશહુર વ્યક્તિઓ ઈમામ હુસૈન (અ.સ.) સાથે જંગમાં જોડાવાથી દુર રહ્યા અને તેના બદલે જે રીતે આપણે જોઈએ છીએ કે મુખ્યત્વે થોડા સમય અગાઉ જ ઈમાન લાવેલા, ગુલામો અને ઈમામનું કુટુંબ જ તેમની સાથે છે.
- શા માટે તે સમયના બુઝુર્ગ સહાબીઓ – જેવા કે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ, અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર, અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર ઈમામ હુસૈન (અ.સ.)ને યઝીદ સામે જંગ કરવાથી નિરુત્સાહ કરે છે? અને અગર તે હક અને બાતીલ વચ્ચે જંગ હતી તો તેઓએ ઈમામ હુસૈન (અ.સ.)ને પ્રોત્સાહિત કરવું જોઈતું હતું, અગર જોડાવું ન હોય તો પણ.
જવાબ:-
જયારે કોઇ વ્યક્તિ મશહુર નામો અને વ્યક્તિઓની વાત કરે, તો ખુદ ઈમામ હુસૈન (અ.સ.)થી કોઈ મશહુર નામ કે વ્યક્તિત્વ નથી. જ્યારે કે ઇમામ હુસૈન (અ.સ.) હાજર હોવા છતાંય બીજા મશહુર નામો પાસેથી કરબલાની જંગમાં સામેલ થવાની માંગણીની ઈચ્છા એવી છે કે જેવું બની ઇસરાઇલે મુસા (અ.સ.)પાસેથી માંગણી કરી હતી
“જે કંઈ જમીનમાંથી જે જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે (જેવી કે) શાકભાજી, કાકડી, ઘઉં, મસુર અને ડુંગળી (વગેરે) અમારા માટે પણ ઉત્પન્ન કરે”
જયારે કે અલ્લાહે તેમને ‘મન્ના અને સલ્વા’ જન્નતી ખાણાથી નવાજ્યા હતા.
ખરેખર આશ્ચર્યજનક બાબત છે મુસ્લિમ ઉમ્મત માટે કે જે ઇમામ હુસૈન (અ.સ.)ને જન્નતના જવાનોના સરદાર જેવી મહાન હસ્તી હોવાનું સ્વીકારે છે છતાંય એવા નામી વ્યક્તિઓની શોધ કરવાની કોશિશ કરે છે કે જે સાબિત કરે કે ઇમામ હુસૈન અ.સ હક્ક પર છે.
વધુ માહિતી માટે નીચેના મુદ્દાઓ જોઈએ
- ઇમામ હુસૈન (અ.સ.)ની ફઝીલત
- પયગંબર મુસા (અ.સ.)પવિત્ર જમીન માટે એકલા લડ્યા.
- જ.નુહ (અ.સ.)ને કોઈ મશહુર નામના ધરાવનાર લોકોએ સમર્થન ન આપ્યું હતું અને આ બાબતે તેમની ટીકા (મજાક) કરવામાં આવી.
- પવિત્ર પયગંબર સ.અ.વ.ને બધા મશહુર નામના ધરાવનાર લોકોએ એકલા છોડી દીધા હતા.
- ઇમામ હુસૈન(અ.સ.)ને પયગંબર સ.અ.વ.ના બુઝુર્ગ સહાબી તેમજ પત્નીઓનું સમર્થન હતું.
- મશહુર નામો ઈમામ હુસૈન (અ.સ.)સાથે હતા પરંતુ તેઓ હારના કારણે જોડાવા થવા તૈયાર ન હતા.
- જંગે બદ્ર એ મુસલમાનોએ લડી હતી જેઓ તાજેતરમાં જ મુસ્લિમ બન્યા હતા.
ઈમામ હુસૈન (અ.સ.)ના ફઝાએલ
ચાલો આપણે અહેલે સુન્નતની કીતાબોમાંથી ઈમામ હુસૈન (અ.સ.)ના કેટલાક ફઝાએલનો અભ્યાસ એ સમજવા માટે કરીએ કે શા માટે જયારે ઈમામ હુસૈન (અ.સ.)મુસલમાનોની વચ્ચે હાજર હોય ત્યારે આપણને બુઝુર્ગ સહાબાની જરૂર રહેતી નથી.
૧- પવિત્ર પયગંબર સ.અ.વ.એ ફરમાવ્યું:
“હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.”
- સોનને ઇબ્ને માજા ભાગ ૧. કિતાબ ૧, હદીસ ૧૧૮.
- જામેઅત્તીરમીઝી ભાગ ૧, કિતાબ ૪૬, હદીસ ૩૭૬૮,૩૭૮૧
૨- પયગમ્બર (સ.અ.વ.)ના સહાબી સાદ ઇબ્ને અબી વક્કાસ કહે છે:-
જયારે સુ. આલે ઇમરાનની ૬૧મી આયત નાઝીલ થઇ
“…..તું કહે કે આવો અમે અમારા પુત્રોને બોલાવીએ અને તમે તમારા પુત્રોને બોલાવો અને અમે અમારી બેટીઓને બોલાવીએ અને તમે તમારી બેટીઓને (બોલાવો)….”
પવિત્ર પયગંબર (સ.અ.વ.) એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.), હુસૈન (અ.સ.)ને બોલાવ્યા અને ફરમાવ્યું: અય અલ્લાહ! આ મારા એહલેબૈત છે.
- જામેઅત્તીરમીઝી, કિતાબ- ૪૭, હદીસ ૩૨૬૯
૩- પવિત્ર પયગંબર સ.અ.વ. એ જાહેર કર્યું:
“હુસૈન મારાથી છે અને હું હુસૈનથી છું. અલ્લાહ તેને ચાહે છે જે હુસૈન (અ.સ.)ને ચાહે છે.”
- મુસ્નદે એહમદ ઇબ્ને હમ્બલ, ભાગ ૪, પેજ- ૧૭૨.
- અલ મોઅજમ અલ કબીર ભાગ ૩, પેજ- ૨૨, હદીસ ૨૫૮૯
અમે કરબલાના બનાવ બાદ લગભગ ૧૪૦૦ વર્ષ પછી લખી રહ્યા છીએ, જયારે કે તે સમયના સહાબાઓ અને મુસલમાનો ઇસ્લામમાં ઈમામ હુસૈન (અ.સ.)ના દરજ્જાને તેમજ અલ્લાહ તથા પયગંબર (સ.અ.વ.) પાસેના ઈમામ હુસૈન (અ.સ.)ના ઉચ્ચ સ્થાનથી વધુ વાકેફ હતા. એવી જ રીતે તેઓ યઝીદ ઇબ્ને મોઆવિયા અને બની ઉમય્યાને પણ જાણતા હતા અને અલ્લાહ તથા તેના રસુલ પાસે તેનું શું સ્થાન છે તે બાબતે પણ પરિચિત હતા.
તો પછી હવે આ સવાલ કે શા માટે ઈમામ હુસૈન (અ.સ.) સાથે યઝીદ વિરુદ્ધ વધારે મુસલમાનો કે સહાબા ન જોડાયા? એ એક સહીહ સવાલ છે પરંતુ આ સવાલ કરબલામાં ગેરહાજર સહાબાઓ અને મુસલમાનોને પુછાવો જોઈએ નહી કે ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના શિયાઓને.
જેવી રીતે અલ્લાહ જહન્નમવાસીઓને પૂછશે, નહી કે જન્નતવાળાઓને જેમકે:
“જ્યારે જ્યારે કોઇ ટોળું તેમાં (જહન્નમમાં) નાખવામાં આવશે તો તેના રક્ષકો તેને પૂછશે કે શું તારી પાસે કોઇ ડરાવનારો (રસૂલ) આવ્યો ન હતો ?”
- સુ. મુલ્ક -૮ (૬૭:૮)
હઝરત મુસા પયગમ્બર (અ.સ.)પવિત્ર ભૂમિ માટે એકલા લડે છે.
અગર આ શંકાખોરો ઈમામ હુસેન (અ.સ.)ને એ દલીલ સાથે પડકારે છે કે મશહુર નામો અને સહાબીઓ તેમના લશ્કરમાં ન હતા, તો પછી તેઓ પયગંબર જ.મુસા (અ.સ.). વિષે શું કહેશે કે જેમની પાસે અગ્રણી સહાબીઓ તો ઠીક પરંતુ બાતીલ (જુઠ) વિરુદ્ધ લડવા માટે લશ્કર જ ન હતું.
“(ફરીથી) તેમણે કહ્યું કે હે મૂસા ! જ્યાં સુધી તેઓ અંદર છે અમે તો અંદર નહિજ જઇએ; જેથી તું અને તારો પરવરદિગાર જાઓ અને બંને (જણ તેમની સાથે) લડો;
અમે તો અહીંજ બેસી રહીશું.”
“(મૂસાએ) કહ્યું કે હે મારા પરવરદિગાર! હું કેવળ મારી જાત (પોતા)નો તથા મારા ભાઇનો અધિકાર ધરાવું છે; માટે તું અમને તે નાફરમાન લોકોથી જુદા પાડી દે
(કે જેથી તેમના પાપના છાંટા અમને ન ઉડે).”
“(અલ્લાહે) ફરમાવ્યું કે તેમના માથે નિસંશય તે ભૂમિ ચાલીસ વર્ષ સુધી હરામ કરી દેવામાં આવશે, (જેથી) તેઓ પૃથ્વી પર (માર્યા માર્યા) ભટક્યા કરશે;
માટે તું તે નાફરમાન લોકોની (અવદશા) પર ખેદ કરીશ નહિ.”
- સુરએ માએદહ -૨૪ થી ૨૬ (૫:૨૪-૨૬)
શું આ બનાવમાં મુસા અ.સ ની મદદ માટે કે મુસા (અ.સ.)ની તરફેણમાં કોઈ એક પણ સહાબી ન હોવાના કારણે મુસા (અ.સ.)ના પયગંબર હોવા બાબતે અથવા તેમની આ જંગ બાબતે કોઈ ટીકા થઇ શકે અથવા તો શું એમ કહી શકાય કે તેમની પયગંબરી ઓછા પ્રમાણની હતી (મઆઝલ્લાહ તેની પયગંબરી યોગ્ય ન હતી) અથવા તેમની જંગ કોઈ મહત્વ નથી ધરાવતી?
નૂહ પયગંબર (અ.સ.) સાથે પણ કોઈ મોટી મશહુર નામી વ્યક્તિ ન હતી અને તેમની મજાક પણ ઉડાડવામાં આવી હતી.
શંકાખોરોની દલીલ જે ઈમામ હુસૈન(અ.સ.)ના બાતીલ વિરુદ્ધના ક્યામને પડકારે છે એવીજ જ.નૂહ (અ.સ.)ની સામે તેમની કૌમે સમાન દલીલ કરી હતી તેની યાદ અપાવે છે.
જ.નૂહ (અ.સ.)ની કૌમના મુખ્ય નાસ્તીકોનો એક સમૂહ જેણે જ.નૂહ (અ.સ.)ને પયગંબર તરીકે સ્વીકારવાનો ઇન્કાર એ માટે કર્યો કે જ.નૂહ પર ઈમાન લાવનાર કોઈ મશહુર નામી વ્યક્તિ ન હતું
“આથી તેની કૌમમાંથી જેઓ (તેને) માનતા ન હતા તેઓ માંહેના આગેવાનોએ કહ્યું કે અમે તો તને અમારા જેવોજ એક (સાધારણ) મનુષ્ય દેખીએ છીએ અને અમે એ પણ દેખીએ છીએ કે તારૂ અનુકરણ કોઇએ પણ કર્યું નથી, સિવાય તે લોકોના કે જેઓ અમો માંહેના હકીર છે (અને તે પણ ઉપલક દ્રષ્ટિથી) વળી અમે અમારી સરખામણીમાં તમારી કાંઇ સરસાઇ દેખતા નથી, બલ્કે અમે તમને જૂઠા ગણીએ છીએ.”
- સુ.હુદ ૧૧:૨૭
શું આનો અર્થ એ છે કે મશહુર નામો અને વ્યક્તિત્વનો અભાવ પયગંબર નુહ (અ.સ.) ને અયોગ્ય ઠેરવશે અને તેનું કારણ એ કે જ.નૂહ (અ.સ.)ની બાબત હક્ક વિરુદ્ધ બાતીલની માટે ન હતી ?
પવિત્ર પયગંબર (સ.અ.વ.) ને બધા નામી વ્યક્તિઓએ ત્યજી (છોડી) દીધા હતા.
અગર ખરેજ જો સહાબી અને મશહુર નામી વ્યક્તિઓનું તરફેણમાં હોવું એ હક્કની નિશાની છે તો પછી શંકાખોરો એ બાબતે શુ કહેશે કે જ્યાં ઘણા બધા બનાવો એવા છે કે જેમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને કોઈપણ વિચાર કર્યા વગર મશહુર નામી વ્યક્તિઓએ છોડી દીધા હતા, જંગોમાં પણ અને જંગ સિવાયના બનાવોમાં પણ,
અહીં આપેલ આયતો બાબતે વિચારો કે જે જંગે ઓહદ, જંગે હુનેન અને જુમ્માના ખુત્બાના વિષે છે.
“ (તે સમયને યાદ કરો) જ્યારે તમે આગળને આગળ નાસી જતા હતા અને પાછા વળીને પણ કોઈને જોતા ન હતા અને પાછળથી રસૂલ તમને બોલાવી રહ્યો હતો, પછી અલ્લાહે તમારા પર દુઃખ ઉપર દુઃખ નાખ્યું, આ એટલા માટે કે જ્યારે કદી પણ તમારા હાથમાંથી એકાદ વસ્તુ જતી રહે અથવા તમારા ઉપર એકાદ સંકટ આવી પડે તો તેનો અફસોસ કરો નહિ;
અને જે કાંઈ કરણી તમે કરો છો અલ્લાહ તેનાથી ખબરદાર છે.”
- (સુ.આલે ઇમરાન ૩:૧૫૩)
“(હે મુસલમાનો!) ખચીતજ અલ્લાહે ઘણાં યુધ્ધ ક્ષેત્રોમાં તમારી સહાય કરી અને (ખાસ કરીને) હુનૈન (ની લડાઇ)ના દિવસે કે જ્યારે તમારી બહુમતિએ તમને ફુલાવી દીધા હતા, (પણ) પછી તે તમારા કાંઇજ કામે લાગી નહિ. અને પૃથ્વી પહોળી હોવા છતાં
તમારા માટે સંકોચાઇ ગઇ, પછી તમે પીઠ ફેરવી મેદાન મૂકી ગયા.”
- સુ.તૌબા -૨૫ (૯:૨૫)
“અને જ્યારે તેઓ કોઇ વેપારની અથવા રમત ગમતની વાત જુએ છે તો તેઓ (નમાઝને પડતી મૂકી) તેની તરફ દોડી જાય છે, અને તને (નમાઝ પઢતો) ઉભો છોડી જાય છે; (અય રસૂલ!) તું કહે કે જે કાંઇ અલ્લાહ પાસે છે તે આ ખેલકૂદ અને વેપાર કરતાં બહેતર છે;
અને અલ્લાહ સર્વે રોઝી આપનારાઓ કરતાં ઉત્તમ (રોઝી) આપનારો છે.”
- સુ.જુમઆ-૧૧ (૬૨:૧૧)
અગર સહાબીઓનું તરફેણમાં હોવું તે હક્કની નિશાની હોય તો પછી શંકાખોરોની દલીલ મુજબ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ દાવો ન કરી શકે કે તે હક્કનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કે આપના સહાબીઓએ આપને અનેક બનાવોમાં છોડી દીધા હતા.
ઇમામ હુસૈન (અ.સ.)નું નાનું લશ્કર છેવટ સુધી બાતિલ વિરુદ્ધ લડવા માટે સંઘર્ષ કર્યો અને ઇમામ (અ.સ.)ને વફાદાર રહ્યું.
હકીકતમાં ઇસ્લામમાં ઇમામ હુસૈન (અ.સ.)નું વ્યક્તિત્વ અને દરજ્જાના કારણે ઘણા સૈનિકો જે બાતિલ તરફ હતા તેઓએ પોતાનો રસ્તો છોડી અને ઇમામ (અ.સ.) તરફ આવી ગયા હતા.
શુ આ બધા પુરાવાઓ આપ્યા પછી ઇમામ હુસૈન (અ.સ.) હક્ક પર હોવા બાબતે વધુ કોઈ પુરાવાઓની જરૂર છે?
ઈમામ હુસૈન(અ.સ.)ને સહાબીઓ અને પત્નીઓ તેમજ વિરોધીઓનું સમર્થન હતું.
ઈમામ હુસૈન(અ.સ.) બુઝુર્ગ સહાબીઓના મહત્વને સારી રીતે જાણતા હતા તેમના લશ્કરમાં બુઝુર્ગ સહબીઓ મૌજુદ હતા જેમકે મુસ્લિમ ઇબ્ને અવસજા અને હબીબ ઇબ્ને મઝાહિર.
ઈમામ હુસૈન (અ.સ.)એ યઝીદી લશ્કરને જે ખુત્બાઓ આપ્યા તેમાં ઇસ્લામમાં પોતાનો મરતબો વિસ્તૃત રીતે બતાવ્યો હતો પરંતુ યઝીદી લશ્કરોના બહેરા કાન પર તેની કોઈ અસર ન પડી ત્યાં સુધી કે તેઓએ કોઇપણ બાબત તરફ ધ્યાન ન આપ્યું.
તેઓ (યઝીદી લશ્કરમાં) સહાબીઓની બીજી પેઠી હતી (તાબેઈન) કે જેઓએ પયગંબર (સ.અ.વ.)ને કદી જોયા ન હતા અને એ દાવો પણ કરી શકે કે અમે ઈમામ હુસૈન (અ.સ.)ની ફઝીલતથી અજાણ હતા.
આથી ઈમામ હુસૈન (અ.સ.)એ ખુત્બાઓમાં જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી, અબુ- સઈદ અલ ખુદરી, ઝૈદ ઇબ્ને અરકમ અને અનસ બિન માલિક જેવા પ્રખ્યાત સહાબીઓના નામોનો ઉલ્લેખ કર્યો જેથી તેમનો દાવો અને હક્કાનીયત સ્પષ્ટ થઇ જાય
- મક્તલે અલ- હુસૈન (અ.સ.)પેજ-૨૨૯ ઈમામ હુસૈન (અ.સ.)ના આશુરના ખુત્બામાં
વધુમાં પયગંબર (સ.અ.વ.)ના માનનીય પત્ની ઉમ્મુલ મોઅમેનીન જનાબે ઉમ્મે સલમાએ પહેલેથી જ ઈમામ હુસૈન (અ.સ.)માટે સલામતી,સહાનુભુતિ અને દુ:ખની લાગણી વ્યકત કરી છે જેના પરથી સ્પષ્ટ છે કે તેણી યઝીદના વિરુદ્ધ છે.
- મક્તલુલ અવામિલ પેજ -૪૭, મક્તલે અલ હુસૈન અલ મુકરરમ પેજ -૧૩૬
બીજી તરફ હિજરી સન ૫૭ માં જયારે મોઆવિયાએ તેના જાનશીન તરીકે યઝીદને નિમણુંક કરી ત્યારે લગભગ મદીનાના બધા મુસલમાનોએ જોરશોરથી વિરોધ કર્યો હતો જેમાં આયેશા અને તેનો ભાઈ અબ્દુર્રેહમાન પણ શામિલ હતો આ રીતે આયેશાએ અજાણી રીતે ઈમામ હુસૈન (અ.સ.)ને ટેકો આપ્યો હતો જે ક્યામ ચાર વર્ષ પછી યઝીદ સામે ઉઠવાનો હતો.
ઉમ્મે સલમાં, જાબીરઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી, અબુ સઈદે ખુદરી,ઝૈદ બિન અરકમ,અનસ બિન માલિક,જેવા મહાન સહાબીઓ અને મશહુર નામો ઈમામ હુસૈન (અ.સ.)ની તરફેણમાં હોવા પછી શંકાખોરો બીજા ક્યાં નામો જોવા ઈચ્છે છે? વધુમાં મુસ્લિમ અને હબીબ જેવા સહાબીઓ જે ઈમામ હુસૈન (અ.સ.)ના લશ્કરમાં શામિલ હતા.
શું યઝીદ પાસે આની જેવા કોઈ નામો છે જેણે તેની તરફેણ કરી હોય?
પયગંબર (સ.અ.વ.)ના સહાબીઓને છોડો પરંતુ ઉમર ઇબ્ને સાદ જે યઝીદી લશ્કરનો સેનાપતિ હતો જે ઇસ્લામમાં ઈમામ હુસૈન (અ.સ.)ના દરજ્જાને જાણતો હતો તે પણ ઈમામ હુસૈન (અ.સ.)ની સામે લડવા ઈચ્છતો ન હતો.
જ્યારે અન્ય સૈનિકો ઈમામ હુસૈન (અ.સ.) સામે લડવા માટે નિષ્ફળ સાબિત થઇ રહ્યા હતા ત્યારે ઉમરે સાદે વરિષ્ઠ સેનાપતિ શબસ ઇબ્ને રબીઅ (અલ-તમીમી)ને લડવા માટે આદેશ આપ્યો ત્યારે શબસ પણ ઈમામ હુસૈન (અ.સ.)સામે લડવા માટે અનિચ્છા અનુભવતો હતો.
શબસને આમ કહેતા સાંભળવામાં આવ્યુ કે “આપણે પાંચ વર્ષ સુધી અબુ સુફયાનના સંતાનો વિરુદ્ધ અલી ઇબ્ને અબીતાલિબ (અ.સ.)ની સાથે રહીને લડ્યા તેના પછી તેમના પુત્ર ઈમામ હસન (અ.સ) ની સાથે રહીને અને જ્યારે તેમના બીજા પુત્ર ઈમામ હુસૈન (અ.સ.)આવ્યા તો આપણે તેનું ઉલ્લંઘન કર્યું જે આ પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ માણસ છે અને હવે આપણે તેમની વિરુદ્ધ લડી રહ્યા છીએ અને મુઆવિયાના સંતાનોની તરફેણમાં અને વ્યભિચારી સુમૈયાના પુત્રના સમર્થનમાં અય ઇબ્ને ઝયાદ આપણે કેવી રીતે ભટકી ગયા છીએ
- મક્તલુલ હુસૈન પેજ ૨૪૨-૨૪૩ મુકર્રમમાંથી
મશહુર નામો ધરાવતા લોકો ઈમામ હુસૈન (અ.સ.)ની સાથે હતા પરંતુ હારને કારણે ભાગ લેવા ઇચ્છતા ન હતા
પવિત્ર પયગંબર સ.અ.વ.ના અમુક સહાબીઓ હંમેશા તેઓની જંગ વિશે પસંદગીયુક્ત હતા. તેઓ તેને પસંદ કરતાં કે તેઓ છેવટે જીતી જાય.
તેથી જ પ્રથમ જંગે બદ્રમાં ઘણા બુઝુર્ગ સહાબીઓ અને ભાવિ નેતાઓ મક્કાવાસીઓ સાથે જોડાવા ઉત્સુક ન હતા કારણકે તેઓને પરાજયનો ડર હતો.
આથી જ આ સહાબીઓ ઓહદ અને હુનેનમાં જ્યારે તેઓએ જોયુકે તેઓની હાર થાય છે તો તેઓ ભાગી ગયા.
જ્યારે કે દીને ઇસ્લામ અને તેના કાનૂન મુજબ જંગ હાર અથવા જીત માટે નથી લડવાની હોતી પરંતુ તેમાં ઇલાહી પ્રતિનિધિના હુકમના તાબે રેહવાનું છે ચાહે જંગ હોય કે સુલેહ હોય પરંતુ ઇતિહાસમાં આપણે જોયુ કે સહાબીઓ સુલેહ ઈચ્છે છે જ્યારે કે તે સમય જંગનો હોય અને જ્યારે સુલેહનો સમય હોય ત્યારે જંગ ઈચ્છે છે.
એટલા માટે જ અમુક સહાબીઓ અને મુસલમાનો ઇમામ હુસૈન (અ.સ.)થી દુર રહયા કારણકે તેઓ જાણતા હતા કે આ જંગનો અંત તેઓના માટે ખરાબ આવશે અને ઇમામ હુસૈન અ.સ.એ પણ ઘણા બધા પ્રસંગોએ એ વાત પર ભાર મુક્યો કે તેમની સાથે જેટલા પણ છે તે માર્યા જશે કારણકે આપ ઇચ્છતા ન હતા કે આપના સૈનિક જે રીતે ભુતકાળમાં બન્યું તે રીતે આપના નાનાના સૈનિકની જેમ ભાગી જાય.
તે સમયના મોટા નામ જે ઉપર જણાવ્યા છે જેમકે અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર અને ઇબ્ને ઝુબૈર અને જે ઈમામ હુસૈન (અ.સ.)ના દરજ્જાને જાણતા હતા અને તેમના ક્યામનો પાયો યઝીદના બાતીલ શાસન વિરુદ્ધ હક્ક પર હોવાનું પણ જાણતા હતા. તેઓને ડર હતો કે ઈમામ હુસૈન (અ.સ.)ના સહાબીઓના આખરી સભ્ય અને પવિત્ર પયગંબર (સ.અ.વ)ના એહલેબૈત (અ.મુ.સ.) જાન ગુમાવશે. ઈમામ હુસૈન (અ.સ.) ને જોઈને મુસ્લિમોને પયગંબર (સ.અ.વ.) ની યાદ અપાવવી અને આપ (અ.સ.) ને ગુમાવીને તેઓ પયગંબર (સ.અ.વ.) સાથેની તેમની અંતિમ કડી ગુમાવી દેશે.
આથી જ તેઓએ ઈમામ હુસૈન (અ.સ.)ને યઝીદ સામેની લડાઈ કરવા માટે નિરુત્સાહી કર્યા કારણકે તેઓ ઈમામ હુસૈન (અ.સ.)ને યઝીદ જેવા ઝાલીમના હાથે ગુમાવવા ઈચ્છતા ન હતા. ત્યાં મદીનામાં કોઈના પણ દિમાગમાં (બની ઉમયયા અને બની મરવાન સહીત) એ બાબતે સવાલ જ ન હતો કે ઈમામ હુસૈન (અ.સ.)હક્ક પર છે કે યઝીદ બાતીલ પર છે
બદ્રની જંગ નવા બનેલા મુસલમાનો વડે લડાઈ હતી
શંકાખોરો જેવી રીતે ઈમામ હુસૈન (અ.સ.)ના યઝીદ વિરુદ્ધના પડકારને નબળો પાડવા એઅતેરાઝ કરે છે કે તેમના લશ્કરમાં નવા મુસ્લિમોના ચહેરાઓ હતા, જેમાંથી કેટલાકે તો તાજેતરમાં જ ઇસ્લામ સ્વીકાર્યો હતો.
આ શંકાખોરો બદ્રની જંગ વિષે શું કહેશે જ્યારે કે તેમાં ૩૧૩ મુસ્લિમ સૈનિકોમાં ૨૧૬ (૬૯% લશ્કર) અન્સાર હતા તેઓ તાજેતરમાં જ મુસલમાન બન્યા હતા હકીકતમાં મક્કાના લશ્કરે તો મુસ્લિમ સેના સાથે જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો કારણકે તેઓએ જોયું કે લશ્કરમાં અન્સારોનું પ્રભુત્વ વધારે છે. જ્યારે કે મક્કાવાસીઓ મુહાજેરીન મુસલમાનો જે તેમના વિરોધીઓ છે તેની સાથે લડવાનું વલણ ધરાવે છે અને જંગ પણ ત્યાં સુધી શરુ ન થઇ જ્યાં સુધી બંને લશ્કર એ વાત પર સમંત ન થયા કે પ્રત્યેક બાજુએથી એક થી એક્ ના મુકાબલામાં સારા ત્રણ મુહાજીરને સામેલ કરવામાં ન આવે.
શું શંકાખોરો આ વાતથી એવું તારણ કાઢશે કે ઇસ્લામની પ્રથમ જંગ જે મુસલમાનોએ જીતી તે હક્ક અને બતીલની જંગ ન હતી કારણકે તે નવા બનેલા મુસલમાનો દ્વારા લડવામાં આવી હતી જેની નોધ મક્કામાં પણ લેવાણી હતી?
તેથી શંકાસ્પદ લોકોનો વાંધો કે ઇમામ હુસૈન (અ.સ.) ને સત્યના પ્રતિનિધિ ન કહી શકાય કારણ કે તેમની સાથે બુઝુર્ગ સહાબીઓ અને મુસ્લિમ બહુમતીના સમર્થનનો અભાવ હતો, આ વાત ગેરમાર્ગે દોરે છે અને મઝહબ, કુરઆન અને મૂળભૂત ઇસ્લામિક ઇતિહાસની નબળી સમજને દગો આપે છે. તેમની અયોગ્ય દલીલો અલ્લાહના અન્ય પયગંબરોની હક્કાનીયત પર સવાલ ઉત્પન્ન કરે છે જેઓ મોટા નામોના સમર્થન વગર સત્ય માટે લડ્યા હતા