હદીસે ગદીરમાં વિલાયતનો અર્થ સાહિત્યકારો અને શાએરોની નજરમાં

વાંચવાનો સમય: 23 મિનિટ

 

સઘળા વખાણ અલ્લાહ માટે છે અને સલામ થાય તેના બંદાઓ ઉપર કે જેઓ ચૂંટી કઢાએલા છે.

માનનીય વાંચકો! ખુદાવંદે આલમનો બેપનાહ શુક્ર છે કે તેણે છેલ્લા અમૂક વર્ષોથી એ તક અને ખુશનસીબી અતા કરી છે કે ‘આફતાબે વિલાયત’ મેગેઝીન વડે આપની ખિદમતમાં હઝરત અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત અને તેમના ફઝાએલ અને કમાલ ઉપર આધારિત લેખ રજુ કરી શકીએ.

આફતાબે વિલાયતમાં અલગ અલગ લેખો દ્વારા પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સ્પષ્ટ નસ્સ વડે એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે ઈમામ અલી (અ.સ.) પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના બિલાફસ્લ (આપ (સ.અ.વ.) બાદ તુરત જ) જાનશીન અને મોઅમિનોના મૌલા અને વલી છે.

અઈમ્મએ હોદા (અ.મુ.સ.)થી અને ઈમામીયા આલીમોના બયાનથી એ સ્પષ્ટ છે કે ઈસ્લામની શરુઆતના અરબો અને તેઓની પછીના અરબોના વંશોએ શબ્દ ‘મૌલા’નો અર્થ એમજ લીધો છે કે જે પ્રમાણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ખુદાવંદે આલમના હુકમથી બયાન ફરમાવ્યો હતો.

આ લેખમાં ઈન્શાઅલ્લાહ અમે એ કોશિશ કરીશું કે ખ્યાતનામ સાહિત્યકારો અને શાએરોનું વર્ણન કરીશું કે જેઓએ હદીસે ગદીરમાં શબ્દ ‘મૌલા’નો અર્થ અને ગદીરના બનાવને પોતાના અશ્આરમાં રજુ કર્યા છે. તે શાએરોની જીવન ઝરમર ઉપર પણ ટૂંકી નજર નાખીશુ કે જેથી માનનીય વાંચકો એ અંદાજ લગાવી શકે કે અરબોની દરમ્યાન તેઓનો દરજ્જો અને મરતબો શું હતો?

તે મહાન શાએરોમાંથી ઘણા ખરા આલીમ, ફાઝીલ અને હદીસે ગદીરના રાવીઓના સમૂહમાં પણ શામેલ છે. જો કે મોટાભાગના શાએરો કાલ્પનિક દાસ્તાનો રજુ કરે છે[i] પરંતુ આ શાએરોની વાતો કાલ્પનિક દાસ્તાનો નથી બલ્કે એ સાહિત્યીક વાસ્તવિકતા અને હકીકત છે.

અહિં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે ગદીરના શાએરો બયાન કરવાના માપદંડમાં ખુદ એક દાસ્તાન છે કે જે આ દુનિયામાં પ્રદર્શિત થઈ છે. તેઓએ જે કંઈ નઝમ અથવા શેઅર સ્વરુપે બયાન કર્યું છે અથવા જે રીતે ગદ્યમાં રચના કરી છે તે એક સત્ય હકીકત અને વાસ્તવિકતા છે નહિં કે કાલ્પનિક વાર્તા.

હદીસ, કાવ્ય સ્વરુપે:

વાસ્તવમાં તે શાએરોના અશ્આર સનદ ધરાવનારી રિવાયતોને યોગ્ય કાવ્યોની સાથે શેઅર અને પદ્યના સ્વરુપે રચવામાં આવ્યા છે. તેમજ તે શાએરો એ કાબેલિય્યત ધરાવે છે કે ગદીરના ઐતિહાસીક બનાવને તાકીદની સાથે રજુ કરે.

યાદ દેહાની: મૂળ લેખને શરુ કરતા પહેલા જરુરી સમજીએ છીએ કે આ લેખના મૂળ સ્ત્રોતથી માહિતગાર કરાવવામાં આવે. આ લેખ કિતાબ ‘અલ ગદીર ફીલ કેતાબે વસ્ સુન્નતે વલ્ અદબે’માંથી લખવામાં આવ્યો છે કે જેના લેખક શૈખ અબ્દુલ હુસૈન એહમદ અલ્ અમીની અન્ નજફી (અ.ર.) છે. જેઓ અલ્લામા અમીનીના નામથી પ્રખ્યાત છે.

અલ ગદીર અને અલ્લામા અમીની:

અલ્લામા અમીની (અ.ર.)એ કિતાબ ‘અલ ગદીર’ને અરબી ભાષામાં લખી છે અને તેમાં સાબિત કર્યું છે કે ગદીરે ખુમમાં હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ ખુદાવંદે આલમના હુકમથી હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને પોતાના જાનશીન અને ખલીફા બનાવ્યા હતા. આ કિતાબ અગીયાર ભાગોમાં લખવામાં આવી છે. તેના પહેલા ભાગમાં હદીસે ગદીર ઉપર સંશોધન કરવામાં આવ્યુ છે. અલ્લામા અમીની (અ.ર.)એ રસુલે અકરમ (સ.અ.વ.)થી વારીદ થનારી હદીસોમાં સૌથી ભરોસાપાત્ર અને મોતવાતીર હદીસ, હદીસે ગદીરને ઠેરવી છે. આથી તેમણે તે હદીસની સનદોને એહલે હદીસ, સુન્નતની કિતાબોમાંથી, સહાબીઓ, તાબેઈન અને તબે તાબેઈનથી લઈને ચૌદમી સદીના આલીમો સુધીનું વર્ણન કર્યું છે. પહેલા ભાગમાં તેમણે આ હદીસની નોંધ કરનારા એકસો દસ સહાબીઓ અને ચોયર્સિી તાબેઈનના નામોનું વર્ણન કર્યું છે. બીજા ભાગથી સાતમાં ભાગ સુધીમાં શાએરો અને તેઓના અશ્આરનું વર્ણન કર્યું છે કે જેઓએ હદીસે ગદીર અને ગદીરના બનાવને નર્ઝમ કર્યો છે. તેમજ બાકીના ભાગોમાં શાએરોની ઓળખાણ ઉપરાંત અમૂક શીઆ અને સુન્ની વિરોધાભાસનું વર્ણન કર્યું છે.

હિન્દુસ્તાનની સફર:

અલ્લામા અમીની (અ.ર.)એ આ કિતાબને લખવા માટે અલગ-અલગ ઘણા દેશોની સફર કરી. તેમાંથી તેમણે હિન્દુસ્તાન, મિસ્ર અને શામની પણ સફર કરી હતી. તેમાં હિન્દુસ્તાનના શહેરો જેવો કે હૈદ્રાબાદ, દખ્ખન, અલીગઢ, લખનઉ, કાનપૂર, જલાલી, રામપુર અને મુંબઈની સફર કરી હતી. તેવી જ રીતે તેઓએ કાહેરહ, હલબ, નીલ, દમિશ્ક, વિગેરેની સફર શામમાં અને તેમણે મિસ્રની સફર પણ કરી હતી. તેઓ હિજરી સન 1380 માં હિન્દુસ્તાન આવ્યા હતા.

તેમણે કિતાબનું નામ ‘અલ ગદીર ફીલ કેતાબે વર્સ સુન્નતે વલ અદબે’ એટલા માટે રાખ્યું કે અગર કોઈ શખ્સ ગદીરનો ઈન્કાર કરે તો હકીકતમાં તેણે કુરઆન, સુન્નત, સાહિત્ય, ઈતિહાસ અને અરબી અશ્આરના મજમુઆનો ઈન્કાર કર્યો છે.

હકીકતમાં તો આ કિતાબના પરિચય માટે એક અલગ લેખની જરુરીયાત છે. જ્યારે કે આ લેખમાં આપણો મકસદ એ નથી. આથી આટલા ઉપર જ સંતોષ માનીને અમૂક વાતો મરહુમ લેખકના બારામાં નોંધીને આપણા મૂળ વિષય તરફ પાછા ફરીએ.

અબ્દુલ હુસૈન એહમદ અમીની કે જેઓ અલ્લામા અમીની નજફીના નામથી પ્રખ્યાત છે તેઓ હિજરી સન 1320 માં ઈરાનના તબરેઝ શહેરમાં પૈદા થયા હતા. તેઓએ પ્રાથમિક તઅલીમ તબરેઝમાં પ્રાપ્ત કર્યા બાદ ઉચ્ચ તઅલીમ અર્થે તેઓ નજફે અશરફ રવાના થયા. તેમણે નજફે અશરફના ખ્યાતનામ ઉસ્તાદો જેમકે સૈયદ અબુલ હસન ઈસ્ફહાની (વફાત હી.સ. 1364), મીઝર્િ મોહમ્મદ હુસૈન નાએની (વફાત હી.સ. 1355) અને શૈખ અબ્દુલ કરીમ હાએરી યઝદી (વફાત હી.સ. 1361) જેવા મરાજેઅ પાસેથી ઈજતેહાદ અને બીજા આલીમો પાસેથી રિવાયતો નોંધવાની પરવાનગી પ્રાપ્ત કરી. તે તમામ આલીમોએ અલ્લામા અમીની (અ.ર.)ની ઈલ્મી, દીની અને સામાજીક મરતબાના વખાણ કર્યા છે.

વફાત:               

અલ્લામા અમીની (અ.ર.) ખૂબ જ અભ્યાસ અને સંશોધનના કારણે બિમાર થયા અને 28મી રબીઉલ આખર, હિજરી સન 1390 ના શુક્રવારના દિવસે ઝોહરના સમય પહેલા તહેરાનમાં વફાત પામ્યા. તેમણે પોતાના ઈન્તેકાલ પહેલા કરબલાની માટીવાળા પાણીથી પોતાનો લિબાસ તરબોળ કર્યો અને પોતાના પુત્ર આકા રઝા અમીની નજફીને કહ્યું કે મારા માટે દોઆ એ અદીલહ પઢો. તેમણે જ્યારે દોઆએ અદીલહ પઢી લીધી તો તેમને મુનાજાતે ખમ્સા અશ્ર પઢવા માટે કહ્યું. પછી તેમને દોઆએ મુતવસ્સેલીન પઢવા માટે કહ્યુ અને પછી મુનાજાતે મોઅતસેમીન પઢાવી. જ્યારે રઝા અમીની દોઆઓ પઢી રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી સતત આંસુઓ વરસી રહ્યા હતા. તેમની ઝબાન ઉપર અંતિમ વાત દોઆના આ જુમ્લા હતા.

اَللّٰہُمَّ  ہٰذِہٖ  سَکْرَاتُ  الْمَوْتِ  قَدْ  حَلَّتْ  فَاَقْبَلَ  اِلٰی  بِوَجِہْکَ  الْکَرِیْمِ  وَ اَعِنِّیْ  عَلٰی  نَفْسِیْ  بِمَا  تَعِیْنُ  بِہٖ  الصّالِحِیْنَ  عَلٰی  اَنْفُسِہِمْ

દોઆ પૂર્ણ થતા જ આપે આ અજલની સદા ઉપર લબ્બયક કહી અને આપની રુહ પરવાઝ કરી ગઈ.[ii]

આ ટૂંકી પ્રસ્તાવના પછી આપણે આપણા મૂળ વિષય ઉપર પાછા ફરીએ અને હદીસે ગદીરના શાએરોના બારામાં વાત કરીએ.

ધ્યાન આપો:

મરહુમ અલ્લામા અમીની તાબ સરર્હિ એ ખુદ લખ્યુ છે કે મેં શેઅરની નોંધ કરવામાં શેઅરની ખૂબી અને તેની રચનાને ધ્યાનમાં નથી રાખી અને શાએરના દુર્લભ ઝમાના ઉપર પણ ધ્યાન કેન્દ્રીત નથી કર્યું. કારણ કે મારો મકસદ તે પાસુ વર્ણવવાનો નથી. બલ્કે મારો મકસદ ગદીરની રિવાયતને શેઅર સ્વરુપે રજુ કરવાનો અને તે મહાન બનાવની હકીકતને પામવાનો છે.[iii]

શેઅર અને શાએર:

જ્યારે આપણે સાહિત્યકારોની રચના ઉપર નજર કરીએ છીએ ત્યારે આપણે એ અનુભવ કરીએ છીએ કે તે શબ્દોની છેડછાડ અને મૌખિક વાતોથી ઘણીય ઉચ્ચ તથા ખુશામત અને ચાપલુસીથી દૂર વાકચાતૃર્ય સભર હોય છે. તેઓના અશ્આર ઝીંદગીમાં ઈન્સાનોને એક નવી વિચારધારા બક્ષવાનું અને તેઓને પ્રોત્સાહિત કરવાનું તેમજ ઈલ્મની નવી ક્ષિતિજોને ફેલાવવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં તેઓએ કુરઆન અને હદીસનું અનુસરણ કર્યું છે તેમજ તેમાં તેઓએ અકલી અને ઈન્સાનના નફસને અનુરુપ ચર્ચા કરી છે. આવી રીતે તેઓએ લોકો દરમ્યાન ઈલ્મનું એક નવું ક્ષેત્ર કાએમ કર્યું છે. તેમાં તેઓએ નસીહત દેનારી અને ફાયદો પહોંચાડનારી વાતો બયાન કરી છે જે તેઓ સંપૂર્ણ ઈન્સાન હોવાની દલીલ પૂરી પાડે છે.

ઈતિહાસ ગવાહ છે કે રાજાઓની મેહફીલમાં શાએરોના હુનરને બિરદાવવામાં આવ્યું છે. શાએરના શેઅર અખ્લાકી ફઝીલતો અને રુહાની હુકમો સાંભળનારી રુહને નવી તાઝગી બખ્શે છે અને એક ઉંડા હોંસલા સાથે આ અશ્આર હક્કના રસ્તાને તેની મંઝીલ સુધી પહોંચાડી દે છે.

સરળ શબ્દોમાં કહીએ તો આજે પણ આપણે ત્યાં મેહફીલે મુકાસેદામાં જ્યારે શાએર પોતાના કલામ રજુ કરે છે અને શ્રોતાઓ જ્યારે સાંભળે છે ત્યારે જોવા મળે છે કે લોકો જુમી ઉઠે છે. અહિંયા અમૂક લોકો સંપૂર્ણ સમજદારી સાથે તેનો ભરપૂર લુત્ક ઉઠાવે છે તથા અમૂક લોકો ઓછી સમજદારીમાં પણ પોતાના અકીદાને મઝબુત બનાવી લ્યે છે. ઉર્દુ, અરબી, ફારસી અથવા કોઈપણ ભાષામાં કહેવામાં આવેલા શેઅરમાં આ તાસીર જોવા મળે છે.

અલ્લામા અમીની (અ.ર.) કહે છે કે અગર તમે અરબી ભાષા જાણતા હો તો ફરઝદકે કહેલો ‘કસીદેહ મય્મીયહ’ સાંભળીને તમારૂ દિલ ખુશહાલ થઈ જાય અને હુમયરી (હીમયરી)નો ‘કસીદેહ અય્નીય્હ’ સાંભળીને દિલમાં ઈન્કેલાબની ભાવના પૈદા થઈ જાય. એવી જ રીતે દેઅબલનો ‘કસીદેહ તાએયાહ’ વાંચીને રસુલે અકરમ (સ.અ.વ.)ના ખાનદાન ઉપર થયેલા ઝુલ્મ અને અત્યાચારના કારણે આંખો આંસુઓથી ભરાઈ જાય.

ઈન્શાઅલ્લાહ અમે એક પછી એક લેખમાં તે હક્ક બયાન કરનારા શાએરોની પરિસ્થિતિ અને અમૂક હદ સુધી તેમના અશ્આરથી માહિતગાર કરીશું. આપણા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)એ આવા શાએરોની પ્રસંશા કરી છે તેમજ તેઓને પ્રોત્સાહીત કરીને તેઓની હિમ્મત વધારવા તેઓને દિરહમ અને દીનાર અતા કર્યા છે. તેમજ તેમની ઝબાને મુબારકથી શાએરોના શોખ અને રગબતમાં વધારો કર્યો છે. આપણને અઈમ્મા (અ.મુ.સ.)ની ઝબાનથી આ પ્રકારના જુમ્લાઓ જોવા મળે છે.

‘જે કોઈ અમારા બારામાં શેઅરની એક પંક્તિ કહે તો ખુદાવંદે આલમ તેના માટે બેહિશ્તમાં એક ઘર બનાવે છે.’

તેમજ અઈમ્મા એ મઅસુમીન (અ.મુ.સ.) લોકોને શેઅર યાદ કરવા તરફ પણ પ્રોત્સાહીત કરે છે. જેમકે ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘તમારી ઔલાદને અબદી (હંમેશાની) શાયરીથી માહિતગાર કરો.’

‘અમારા બારામાં કોઈ શેઅર નથી કહેતુ સિવાય કે રુહુલ કુદ્દુસ વડે તેની મદદ કરવામાં આવે છે.’

કશી, રેજાલના બુઝુર્ગ આલીમ હતા. તેઓએ નકલ કર્યું છે કે અબુ તાલિબે કુમ્મી કહે છે કે:

મેં અમૂક શેઅર કહ્યા અને ઈમામ બાકીર (અ.સ.)ની ખિદમતમાં મોકલ્યા. તે અશ્આરમાં આપના વાલીદની રુહ હતી. મેં ઈમામ (અ.સ.)થી ઈજાઝત માંગી કે,

હું આ રીતે પ્રશંસા કરું. પરંતુ હઝરત ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)એ કાગળનો એ ભાગ કે જેની ઉપર શેઅર લખ્યા હતા તે અલગ કરીને પોતાની પાસે સુરક્ષિત રીતે રાખી લીધો અને કાગળના ખાલી ભાગ ઉપર ‘એહસન્ત’ લખી દીધું.

પછી ફરમાવ્યું: ‘તમે બહુ જ સરસ લખ્યું છે. અલ્લાહ તમને નેક બદલો આપે.’

એક બીજી રિવાયતમાં આવ્યું છે કે તેમણે ઈમામ (અ.સ.) પાસે રજા માગી કે તેમના વાલીદની મુસીબત ઉપર નવ્હા લખે. તો ઈમામ (અ.સ.)એ જવાબમાં લખ્યું કે: ‘તેમાં કોઈ વાંધો નથી. મારા પિતા અને મારા માટે પણ નવ્હા લખો.[iv]

હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.) શાએરોને પાકો-પાકીઝા લોકોના વખાણ કરવા અને વિરોધીઓની ટીકા અને નિંદા કરવા બદલ અસાધારાણ રીતે પ્રોત્સાહીત કરતા અને બીજાઓને શેઅર પઢવા માટે કહેતા તથા શાએરોને પરવાનગી આપતા કે શેઅર કહે તેમજ શેઅર પઢનારાઓની દેખરેખ રાખતા. આપણને ઈતિહાસમાં જોવા મળે છે કે હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) પોતાના કાકા હઝરત અબુ તાલિબ (અ.સ.)ના અશ્આર સાંભળીને બેચૈન થઈ જતા. જ્યારે તેમણે વરસાદ વરસવા માટે દોઆ કરી અને ખુદાવંદે આલમે વરસાદ નાઝીલ કર્યો તો ફરમાવ્યું: અબુ તાલિબનો ખુદા ખૈર કરે. અગર તેઓ જીવંત હોતે તો તેમની આંખો આ જોઈને ઠંડી થાત. પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: શું કોઈ છે કે જે તેમના શેઅર પઢે. ઉમર ઈબ્ને ખત્તાબ ઉભો થયો અને કહ્યું કે કદાચ તમારો ઈશારો આ શેર બાબતે છે.

وَ مَا حَمَلَتْ  مِنْ  نَاقَۃٍ  فَوْقَ  ظَہْرِہَا  اَ بَرَّ  وَ اَوْفٰی  ذِمَّۃٍ  مِنْ  مُحَمَّدٍ

‘કોઈ સવારીએ પોતાની પીઠ ઉપર મોહમ્મદ (સ.અ.વ.)થી વધારે નેક અને વફાદાર ઈન્સાનનો ભાર નથી ઉઠાવ્યો.’

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: આ મારા કાકાનો શેઅર નથી બલ્કે આ હસ્સાન બિન સાબિતનો શેઅર છે. પછી હઝરત અલી (અ.સ.) ઉભા થયા અને ફરમાવ્યું: કદાચ તમારો ઈશારો આ શેઅર તરફ છે.

وَ  اَبْیَضْ  یُسْتَسْقَی  الغَمَامَ  بِوَجِہِہ  رَبِیْعَ  الیَتَامٰی  عصمَۃٌ  لِلاَرَامِلِ  تَلُوْذُ  بِہٖ  الہُلَّاکُ  مِنْ  آلِ ہَاشِمٍ  فَہُمْ  عِنْدَہُ  فِی  نِعْمَۃٍ  وَ فَوَاضِلِ

‘તે પ્રકાશિત ચહેરો કે જેનો વાસ્તો આપીને વરસાદની માંગણી કરવામાં આવે છે. તે મોહમ્મદ (સ.અ.વ.), યતીમોની પનાહગાહ અને વિધવા ઔરતોનો સહારો છે. બની હાશીમ મુશ્કેલીઓમાં તેમનો દામન મોહબ્બત અને ઉમળકાથી થામે છે.’

રસુલે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: આ શેઅર અબુ તાલિબ (અ.સ.)નો છે.

તે સમયે કનાના કબીલાનો એક શખ્સ ઉભો થયો અને તેણે પોતાના શેઅર સંભાળાવ્યા

لَکَ الْحَمْدُ  وَ الْحَمْدُ  مِمَّ  شَکَرَ سَقِیْنَا  بِوَجِہٖ  النَّبِیِّ  الْمَطَرَ

‘પરવરદિગાર! વખાણ અને પ્રસંશા તારા માટે છે અને વખાણ તથા શુક્ર કરવો અમારા ઉપર જરુરી છે કે નબી એ કરીમ (સ.અ.વ.)ના સદકામાં તે અમને વરસાદથી નવાઝયા.’ [v]

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મરહબા! અય કિનાની શખ્સ. ખુદાવંદે આલમ તને દરેક શેઅરના બદલામાં એક ઘર અતા કરે.[vi]

ટૂંકમાં ખુલાસો એ કે અલ્લામા અમીની (અ.ર.)એ કિતાબ અલ ગદીરમાં ઘણા બધા દ્રષ્ટાંતો અને બનાવો નોંધ્યા છે કે જેમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) શેઅર અને શાએરોને બિરદાવતા જોવા મળે છે. આપ (સ.અ.વ.) તેમના કાકા જનાબે અબ્બાસના શેઅર સાંભળીને પણ ખુશ થતા હતા. તેમજ પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ઉમ્રુ બિન અસ્લમ, અબુ લય્લા, નાબેગાએ જોઅદી, કા’બ, અબ્દુલ્લાહ બિન રવાહા અને આમીર તેમજ બીજા ઘણા બધા શાએરોને બિરદાવતા જોવા મળે છે. રસ ધરાવતા વાંચકો કિતાબ અલ ગદીરનો અભ્યાસ કરી શકે છે.

અઈમ્મ એ મઅસુમીન (અ.મુ.સ.)ના ઝમાનામાં પણ શાએરો જોવા મળે છે અને ઈમામો (અ.મુ.સ.)એ તેઓને સમર્થન કર્યું છે. જુઓ કિતાબ અલ ગદીર.

મરર્હુમ અલ્લામા અમીની કુર્દસ સરર્હિ એ ગદીરના શાએરોની હાલતને પહેલી સદી હિજરીથી લઈને ચૌદમી સદી હિજરી સુધીની નોંધ કરી છે. આથી આપણે પણ પહેલી સદી હિજરીના શાએરોથી શરુઆત કરીએ.

પહેલી સદી હિજરીના શાએરો:

(1) અમીરુલ મોઅમેનીન અલી (..):

અલ્લામા અમીની (અ.ર.) ફરમાવે છે કે કિતાબની શરુઆત બરકતના આશયથી હઝરતે અમીર અલી (અ.સ.)ના નામથી કરીએ . તેઓ અલ્લાહના પયગમ્બરના ખલીફા છે. ચોક્કસપણે તેઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની પછી સૌથી વધારે અરબી કલામની ખાસિયતો અને વાક્ચાતૃર્યથી માહિતગાર હતા. તેમણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું ફરમાન કે ‘જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) મૌલા છે’ માં શબ્દ ‘મૌલા’નો અર્થ સમજાવ્યો છે કે જેવી રીતે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઈતાઅત તમામ લોકો ઉપર વાજીબ છે તેવી જ રીતે અલી (અ.સ.)ની ઈતાઅત પણ વાજીબ છે.

તે સંદર્ભમાં ઈમામ અલી (અ.સ.)એ આ મુજબ અશ્આર કહ્યા:

مُحَمَّدٌ  النَّبِیُّ  وَ صِفْوی  صنوی  وَ حَمْزَۃُ  سَیِّدُ  الشُّہَدائِ عمِّی  وَ جَعْفَرُ الَّذِیْ  یُضْحِی  وَ یُمْسِیْ  یَطِیْرُ  مَعَ  الْمَلَائِکَۃِ  ابْنُ عَمِّیْ  وَ بِنْتُ  مُحَمَّدٍ  سَکَنِیْ  وَ عِرْسِی  مَنُوْطُ  لَحْمُہَا  بِدَمِیْ  وَ لَحْمِیْ  وَ بْطَا اَحْمَد  وَ لَدَایَ  مِنْہَا  فَایُّکم  لَہُ  سَہٰمٌ  کَسَہْمِیْ  سَبَقْرُکُمْ  اِلَی  الْاِسْلَامِ طُرًّا  عَلٰی  مَا کَانَ  مِنْ  فَہْمِیْ  وَ عِلْمِیْ  فَاَوْجَبَ لِیْ  وِلَایَتَہُ  عَلَیْکُمْ  رَسُوْلُ اللہِ  یَوْمَ  غَدِیْرِ  خُمِّ  فَوَیْلٌ  ثُمَّ  وَیْلٌ  لِمَنْ  یلقَی  الْاِلٰہَ  غَدًا  بِظُلْمِیْ

‘મોહમ્મદ (સ.અ.વ.) ખુદાના પયગમ્બર અને મારા મહેરબાન ભાઈ છે. [vii] હમ્ઝા સૈયદુશ શોહદા મારા કાકા અને જઅફર મલાએકા સાથે સવાર-સાંજ જન્નતમાં ઉડનારા મારા ભાઈ છે અને મોહમ્મદ (સ.અ.વ.)ની પુત્રી મારા દિલનું સુકુન અને મારી પત્નિ છે. તેમનું ગોશ્ત મારા લોહી અને ગોશ્તથી સંબંધિત છે. એહમદ (સ.અ.વ.)ના બન્ને નવાસા મારા અને ફાતેમા (સ.અ.)ના પુત્રો છે. (મને એ જણાવો કે) તમારામાંથી એવું કોણ છે કે જે આ રીતે મારી સરખામણી કરી શકે? તમારા બધાથી સૌથી પહેલા મેં ઈલ્મના અને સમજણના આધારે ઈસ્લામ કબૂલ કર્યો. ખુદાના પયગમ્બર (સ.અ.વ.)એ ગદીરે ખુમમાં ખુદાના હુકમથી મારી વિલાયત તમારી ઉપર વાજીબ ઠેરવી. અઝાબ છે, અઝાબ છે, અઝાબ છે તેની ઉપર જે કાલે ખુદાવંદે આલમ સાથે, એવી હાલતમાં મુલાકાત કરે કે તેણે મારી ઉપર ઝુલ્મ કર્યો હોય.’

યાદ દેહાની:

આ અશ્આર અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ મોઆવીયાના એક પત્રના જવાબમાં લખ્યા હતા. મોઆવીયાએ પત્રમાં જે બડાઈ હાંકી હતી તેના ઉપર ધ્યાન આપો.

‘હું ફઝીલતો ધરાવનારો છું. મારો બાપ જાહેલિય્યતના ઝમાનામાં પણ બુઝુર્ગી અને આકાઈ ધરાવતો હતો. ઈસ્લામ કબૂલ કર્યા પછી મને બાદશાહી મળી. હું સંબંધમાં રસુલે ખુદા (સ.અ.વ.)નો ભાઈ છું. મોઅમીનોનો મામા છું અને વહીનો લખનારો છું.’

હઝરત અલી (અ.સ.)એ પત્ર વાંચ્યા પછી ફરમાવ્યું:

‘કલેજુ ચાવનારી હિન્દાના પુત્ર! આવી રીતે તુ ફઝીલતો બયાન કરીને મારી ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે? પછી ઈમામ (અ.સ.)એ તેમની પાસે બેઠેલા એક યુવાનને કહ્યું કે લખો, પછી આપે ઉપરોકત શેઅર બયાન ફરમાવ્યા.’

મોઆવીયાએ તે અશ્આર વાંચ્યા પછી કહ્યું કે બની શકે ત્યાં સુધી આ અશ્આરને છુપાવી દ્યો. ખબરદાર! અગર શામના લોકો તે વાંચી લેશે તો અલી (અ.સ.)ના સમર્થક થઈ જશે. સમગ્ર ઉમ્મત તે અશ્આર ઉપર એકમત છે.

અલ્લામા અમીની તાબ સરર્હિ એ તે અશ્આરના સંદર્ભમાં 26 (છવ્વીસ) એહલે સુન્નતના આલીમોના નામ તેમની કિતાબોના નામ સાથે તેમજ જરુરી મૂળ લખાણ સાથે નોંધ્યા છે. તેમાંથી મુખ્યત્વે હાફીઝ બયહકી, અબુલ હજ્જાજ યુસુફ બિન મોહમ્મદ બલવી માલેકી કે જે ઈબ્ને શૈખના નામથી પ્રખ્યાત છે, હાફીઝ અબુલ હુસૈન ઝૈદ બિન હસન તાજુદ્દીન ક્ધિદી હનફી પોતાની કિતાબ અલ મુજ્તના, યાકુત હમવીએ મોઅજમુલ ઓદબાઅ, ભાગ-5 માં, અબુ સાલીમ મોહમ્મદ બિન તલ્હા શાફેઈએ મતાલેબુસ સોઉલમાં, સિબ્તે ઈબ્ને જવ્ઝી હનફીએ તઝકેરતુલ ખવાસુલ્ ઉમ્મહમાં, ઈબ્ને અબીલ હદીદે શર્હે નેહજુલ બલાગાહ, ભાગ-2 માં, અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ બિન યુસુફ ગન્જી શાફેઈ એ મનાકીબમાં, અબુલ ફીદાએ પોતાની તારીખ, ભાગ-1 માં, ઈબ્ને કસીર શામી એ અલ બેદાયા વન નેહાયા, ભાગ-8 માં, ખ્વાજા પારસા એ ફઝલુલ ખેતાબમાં, ઈબ્ને સબ્બાગ માલેકીએ ફોસુલુલ મોહીમ્માહમાં, ઈબ્ને હજરે સવાએકે મોહર્રેકામાં, મુત્તકી હિન્દીએ ક્ધઝુલ ઉમ્માલ, ભાગ-6 માં અને કુન્દુઝીએ હનફી એ યનાબીઉલ મોવદ્દહમાં નોંધ કરી છે.

વિગતવાર અભ્યાસ કરવા માટે કિતાબ અલ ગદીર તરફ રજુ કરો.[viii]

શીઆ આલીમોમાંથી શૈખ મુફીદ, ઈબ્ને શહરે આશોબ અને અલ્લામા મજલીસી રીઝવાનુલ્લાહે અલય્હીમ અજમઈનની કિતાબોના હવાલા આપવામાં આવ્યા છે.

فَاَوْجَبَ لِیْ  وِلَایَتَہُ  عَلَیْکُمْ  رَسُوْلُ اللہِ  یَوْمَ  غَدِیْرِ  خُمِّ

‘પછી તમારા ઉપર અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ ગદીરેખુમના દિવસે તેમની (અલી અ.સ.)ની વિલાયતને વાજીબ  ઠેરવી છે.’

(2) હસ્સાન બિન સાબિત અન્સારી:

હસ્સાન બિન સાબિતના પરિચયની કોઈ જરુરત નથી. આપણે ત્યાં મિમ્બરો ઉપરથી તેમના અશ્આર પઢવામાં આવે છે. તેમના અશ્આરના ભાવાર્થથી લોકો મહદ્ અંશે માહિતગાર છે. હસ્સાનનો પરિવાર શેઅર, સાહિત્ય અને કસીદાઓની રચનામાં પ્રખ્યાત હતો. તેમના ખાનદાનમાંથી છ મહાન શાએરો થયા છે. સઈદ, અબ્દુર રેહમાન, હસ્સાન, સાબિત, મન્ઝર અને હરામ. હસ્સાનના પુત્ર અબ્દુર રેહમાન પણ શાએર હતા. હસ્સાનના સાહિત્યીક મરતબાને અરબો પણ માનતા હતા. રસુલે અકરમ (સ.અ.વ.)એ મસ્જીદમાં એક મિમ્બર બનાવડાવ્યુ હતું કે જેની ઉપરથી તેઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના વખાણ અને પ્રસંશા કરતા હતા. રસુલે ખુદા (સ.અ.વ.)એ તેમને દોઆ દીધી અને ફરમાવ્યું: ‘ખુદા હસ્સાનને સતત પોતાની તાઈદ (સમર્થન) અતા કરતો રહે ત્યાં સુધી કે તેઓ રસુલે અકરમ (સ.અ.વ.)ની મદહ કરતા રહે.[ix]

હસ્સાનને હસ્સામ પણ કહેવામાં આવે છે કારણ કે તેમણે અશ્આર થકી ઈસ્લામનો બચાવ કર્યો છે. તેમની વય 120 વર્ષની હતી. તેમણે 60 વર્ષ કુફ્રની હાલતમાં અને 60 વર્ષ ઈસ્લામની હાલતમાં પસાર કર્યા તે તેમના અંતિમ સમયે અંધ થઈ ગયા હતા. કૈસ બિન સઅદના કથન મુજબ તેઓ બસારત (આંખો) અને બસીરત (દીર્ધ દ્રષ્ટિ) બન્નેથી વંચિત થઈ ગયા હતા. હિજરી સન 54 અથવા 55 માં તેમનો ઈન્તેકાલ થયો હતો.

યાદ દેહાની:

ગદીરમાં મૌલાનો સાચો અને યોગ્ય અર્થ સમજનારા આ શાએરે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની મદહમાં એકદમ લાજવાબ અશ્આર કહ્યા છે. જે તેમના દીવાનમાં જોઈ શકાય છે. અમૂક ખયાનતખોરોએ તે દીવાનમાંથી ઘણાખરા અશ્આર કાઢી નાખ્યા છે અથવા તો તેમાં ફેરફાર કરી નાખ્યો છે. પરંતુ તે બીજી કિતાબોમાં મૌજુદ છે. અલ્લામા અમીની (અ.ર.)એ તેને કિતાબ અલ ગદીરમાં નોંધ્યા છે. તારણ એ કે હસ્સાને અલી (અ.સ.)ની ઘણી બધી ફઝીલતોને પોતાના અશ્આરમાં વર્ણવી છે. જેમકે રુકુઅની હાલતમાં વિંટી આપવી, રસુલે અકરમ (સ.અ.વ.)ના બિસ્તર ઉપર સુવુ, વિગેરે. આ ઉપરાંત તેમણે અલી (અ.સ.)ની પ્રસંશા કરતા ઘણા બધા અશ્આર કહ્યા છે. તેમણે જંગની પરિસ્થિતિને પણ પોતાના અશ્આરમાં રજુ કરી છે.

પરંતુ તે તમામ ચીઝો છતાં પોતાની ઝીંદગીના અંતિમ સમય સુધી અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયત ઉપર બાકી રહી શકયા નહી. દુનિયાની મોહબ્બત અને હુકુમતના ડરના લીધે ગદીરમાં જે બાબતનો એકરાર કર્યો હતો પોતાની ઝીંદગીના અંતિમ દિવસોમાં તેને ભુલાવી બેઠા. પરિણામ સ્વરુપ બસારત અને બસીરત બન્નેથી વંચિત થઈ ગયા. અમૂક લોકો વિલાયતના ઈન્કારની અસર આ દુનિયામાં જોઈ ચૂકયા છે અને બીજા લોકો તેને આખેરતમાં જોશે.

રિસાલતનું ઈલ્મ હસ્સાનની ભવિષ્યની તકદીરને નિહાળી રહ્યું હતું. એટલા માટે જ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું:

لَا تَزَالُ  یَا حَسَّان  مُؤیَّدًا  بِرُوْحِ  الْقُدُسِ  مَا نُصِرتنا  بلسانک

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નું આ ફરમાન નુબુવ્વતની નિશાનીઓ અને તેમના ગૈબના ઈલ્મની ગવાહી છે. પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ નુબુવ્વતના મકામથી તે આગાહી કરી દીધી હતી કે તે નજીકમાં જ પોતાના હકીકી ઈમામથી ફરી જશે. એટલા માટે જ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ હસ્સાનને કામ્યાબીની જે દોઆ આપી હતી તેમાં આ શર્ત લગાવી હતી કે જ્યાં સુધી તમે એહલેબૈત (અ.મુ.સ.)ની મદહ કરશો ત્યાં સુધી જ તમને રુહુલ કુદ્દુસની મદદ મળતી રહેશે. જ્યારે તમે એહલેબૈત (અ.મુ.સ.)ની મદહથી ફરી જશો તો રુહુલ કુદ્દુસનું સમર્થન અને મદદ મળતી બંધ થઈ જશે. એટલા માટે જ કૈસ બિન સઅદે કહ્યું કે તેઓ બસારત અને બસીરત બન્નેથી વંચિત થઈ ગયા હતા.

હવે હસ્સાન બિન સાબિતના અશ્આર ઉપર એક નજર કરો:

یُنَادِیْہِمْ  یَوْمَ  الْغَدِیْرِ  نَبِیُّہُمْ  بِخُمٍّ  فَاَکْرِمْ  بَا الرَّسُولِ  مُنَادِیًا  یَقُوْلُ:  فَمَنْ  مَوْلَاکُمْ  وَ وَلِیُّکُمْ فَقَالُوْا:  وَ لَمْ یُبْدُوْا  ہُنَاکَ  التَّعَامِیَا  اِلَہُکَ  مَوْلَا  وَ اَنْتَ  وَلِیُّنَا  وَ لَا تَجِدَنَّ  مِنَّا  لَکَ  الدَّہْرَ عَاصِیًا  فَقَالَ لَہُ:  قُمْ  یَا عَلِیُّ  فَاِنَّنِیْ  رِضِیْتُکَ  مِنْ  بَعْدِیْ  اِمَامًا  وَ ہَادِیًا،  فَمَنْ  کُنْتُ  مَوْلَاہُ  فَہَذَا  وَلِیُّہُ  فَکُوْنُوْا  لَہُ  اَنْصَارَ  صِدْقٍ  مُوَالِیًا  ہُنَاکَ  دَعَا  اَللّٰہُمَّ وَالِ  وَلِیَّہُ  وَ کُنْ  لِلَّذِی  عَادَی  عَلِیًّا  مُعَادِیًا۔ فَخَصَّ  بِہَا  دُوْنَ  الْبَرِیَّۃِ  کُلّہَا  عَلِیًّا  وَ سَمَاہُ  الْوَزِیْرَ  الْمَؤاخِیَا

તરજુમો: ‘ગદીરના દિવસે તેઓના પયગમ્બર (સ.અ.વ.)એ ખુમ નામની જગ્યાએ તે (લોકો)ને બોલાવ્યા અને રસુલે ખુદા (સ.અ.વ.)એ અવાજ આપી.

હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: તમારો મૌલા અને વલી કોણ છે? તે લોકોએ તે જગ્યાએ બગાવત ન કરી અને અરજ કરી:

તમારો ખુદા અમારો મૌલા અને તમે અમારા વલી છો અને આજના દિવસે તમે અમને નાફરમાન નહીં પામો.

પછી આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: અય અલી! ઉભા થાવ. કોઈપણ શંકા વગર મેં મારા પછી તમારી પસંદગી હાદી અને ઈમામ તરીકે કરી છે.

બસ હું જેનો મૌલા છું તેના આ મૌલા છે. તમે લોકો તેમના સાચા મદદગાર બની જાવ.

ત્યાં જ આપ (સ.અ.વ.)એ દોઆ કરી કે: બારે ઈલાહા! અલીના દોસ્તને દોસ્ત રાખ અને અલીના દુશ્મનને દુશ્મન રાખ.

તમામ લોકોએ અલીને તે ખાસિયતોથી મખ્સુસ ઠેરવ્યા અને તેમનું નામ વઝીર અને ભાઈ રાખ્યું.’

યાદ દેહાની:

જ્યારે ગદીરે ખુમમાં હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)એ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયતનું એઅલાન કર્યું તો હસ્સાન ઉભા થયા અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) પાસે પરવાનગી માગી કે તેઓ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બારામાં શેઅર કહે. રસુલે અકરમ (સ.અ.વ.)એ રજા આપી અને હસ્સાને શેઅર કહ્યા.

અલ્લામા અમીની રીઝવાનુલ્લાહે તઆલા અલય્હ એ બાર સુન્ની આલીમો અને હાફીઝોના હવાલાથી તે અશ્આરનું વર્ણન કર્યું છે:

1) હાફીઝ અબુ અબ્દુલ્લાહ મરઝબાની મોહમ્મદ બિન ઈમરાન ખુરાસાની વફાત, હી.સ. 318. કિતાબ મિરકાતુશ શોઅરા. તેની તમામ સનદોની સાથે.

2) હાફીઝ ખરગોશી અબુ સઈદ. વફાત હિજરી સન 406 તેમની કિતાબ શરફુલ મુસ્તફામાં.

3) હાફીઝ ઈબ્ને મરદવીય્યહ ઈસ્ફહાની, વફાત હિજરી સન 410.

4) હાફીઝ અબુ નઈમ ઈસ્ફહાની, વફાત હિજરી સન 430. તેમની કિતાબ ‘مانزل من القرآن فی علی’.

5) હાફીઝ અબુ સઈદ સજીસ્તાની, વફાત હિજરી સન 477, તેમની કિતાબ વિલાયતમાં.

6) ખ્વારઝમી માલેકી, વફાત હિજરી સન 568. તેમની કિતાબ ‘મકતલુલ ઈમામ અલ સિબ્તીશ શહીદ’ અને કિતાબ ‘અલ મનાકીબ’માં.

7) હાફીઝ અબુલ ફત્હ નતન્ઝી, તેમની કિતાબ ‘અલ ખસાએસુલ અલવીય્યહ અલા સાએરીલ બરીય્યહ’માં.

8) અબુલ મુઝફફર. તે હાફીઝ ઈબ્ને જવ્ઝીના પૌત્ર હતા.

9) સદરુલ હુફફાઝ, ગન્જી શાફેઈ, વફાત હિજરી સન 685, તેમની કિતાબ ‘કેફાયતુત તાલીબ’માં.

10) શૈખુલ ઈસ્લામ સદરુદ્દીન હમ્વીની, વફાત હિજરી સન 722, તેમની કિતાબ ફરાએદુસ સીર્મતૈનના બારમાં (12માં) પ્રકરણમાં.

11) હાફીઝ જમાલુદ્દીન મોહમ્મદ બિન યુસુફ ઝરન્દી હનફી, વફાત હિજરી સન 757. તેમની કિતાબ નઝ્મે દોરરુસ સિમ્તૈનમાં.

12) હાફીઝ જલાલુદ્દીન સિયુતી, વફાત હિજરી સન 911, પોતાની કિતાબ રેસાલતુલ અઝહાર ફી માં અક્દહુસ શોઅરાઓ મેનલ અશ્આર.

ઉપરોકત ખ્યાતનામ આલીમો અને હદીસના હાફીઝોએ પોતાની સનદોથી હસ્સાનના અશ્આરની નોંધ કરી છે.[x]

તે બાબત ધ્યાન આપવા લાયક છે કે તે મોહદ્દીસોએ હસ્સાનના શેઅરને પયગમ્બર (સ.અ.વ.)ની હદીસના સ્વરુપમાં નોંધ્યા છે.

તે બાબત પણ ધ્યાન આપવા લાયક છે કે ઈસ્લામી ઈતિહાસનો આ સૌ પ્રથમ કસીદો છે કે જે ગદીરના બનાવને અશ્આર સ્વરુપે રજુ કરી રહ્યો છે. એક લાખથી વધારે લોકોની હાજરીમાં હસ્સાને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની પરવાનગી લઈને ઉપરોકત અશ્આર રજુ કર્યા હતા.

ધ્યાન આપો:

પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની પરવાનગી લઈને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની સમક્ષ અશ્આર કહેવામાં આવ્યા છે. પયગમ્બરે ખુદા (સ.અ.વ.)એ તે અશ્આરનું સમર્થન કર્યું છે અને શાએરને બિરદાવ્યો પણ છે. તેમજ ફરમાવ્યું કે અય હસ્સાન! તમે આ બનાવને ખૂબ જ સુંદર રીતે અશ્આરના સ્વરુપે રજૂ કર્યો છે. પછી આપ (સ.અ.વ.)એ દોઆ પણ કરી કે: જ્યાં સુધી તમે એહલેબૈત (અ.મુ.સ.)ની હમ્દ અને સના કરતા રહેશો ત્યાં સુધી રુહુલ કુદ્દુસની મદદ પામતા રહેશો. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે હસ્સાન એમ જ સમજ્યા જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયતના બારામાં ફરમાવ્યું હતું.

શીઆ કિતાબ:

શીઆઓની સૌથી જુની અને અગાઉની કિતાબ ‘કિતાબ સુલૈમ બિન કૈસ હિલાલી’ છે. તેઓ તાબેઈનમાંથી હતા. તેઓ શીઆઓ અને સુન્નીઓ બન્નેની દરમ્યાન અત્યંત ભરોસાપાત્ર હતા. તે ઉપરાંત શીઆ બુઝુર્ગ આલીમ જેમકે અબુ જઅફર સદુક મોહમ્મદ બિન બાબવય્હ કુમ્મી (ર.અ.)એ પોતાની કિતાબ અમાલીના પાના નં. 343 ઉપર નોંધ કરી છે. તેવી જ રીતે સૈયદ રઝી (ર.અ.) વફાત હિજરી સન 406 કે જેઓ નેહજુલ બલાગાહના સંકલનકતર્િ છે. તેઓએ પોતાની કિતાબ ખસાએસુલ અઈમ્માના પ્રકરણમાં આ કસીદો નોંધ્યો છે અને લખ્યું છે કે શૈખે મુફીદ (અ.ર.)એ ફુસુસુલ મુખ્તારેહમાં આ કસીદો લખ્યો છે, આપ ફરમાવે છે:

‘શીઆઓના આ કથન કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)નો ગદીરે ખુમમાં શબ્દ ‘મૌલા’થી ઉમ્મતની ઈમામત અને રેહબરી મુરાદ હતી જ તેની પુખ્તતા અને દલાલત માટે હસ્સાનનો આ શેઅર પૂરતો છે.’ [xi]

અંતમાં વાંચકોને ધ્યાન અપાવવા માટે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ગદીરે ખુમમાં જે તૈયારી અને બંદોબસ્ત સાથે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયતનું એઅલાન ફરમાવ્યું હતું તેમાં ‘મૌલા’નો અર્થ વિલાયત અને વિસાયતના (વસી હોવાના બારામાં) જ બયાન કરવામાં આવ્યો હતા. તે સિવાય તેને બીજા કોઈ અર્થમાં લાગુ કરી શકાતો નથી. તેમજ હસ્સાન બિન સાબિતે જે અશ્આર કહ્યા છે તેના શબ્દો અને અર્થો ઉપર નજર કરવાથી તે વાત સરળતાથી સમજી શકાય છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ‘મૌલા’નો અર્થ ‘ખલીફા’, ‘વલી’, ‘ઈમામ’ અને ‘પોતાના જાનશીન’ જ વર્ણવ્યો હતા. શીઆ અને સુન્ની બધાજ ઈતિહાસકારો અને મોહદ્દેસીને મહદ્અંશે નીચે મુજબના ગદીરના બનાવનું વર્ણન કર્યા પછી હસ્સાન બિન સાબીતના અશ્આર અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ કરેલી દોઆની નોંધ કરી છે.

રસુલે ખુદા (સ.અ.વ.) ગદીરે ખુમમાં એક મોટા ઝાડની નીચે ઉતયર્.િ ખૂબ જ ગરમ દિવસ હતો. અમૂક લોકો મજબુર હતા કે પોતાના પહેરવેશથી છાંયો કરે અને અમૂક લોકોએ પોતાના કપડાને પાણીથી ભીનું કરીને પોતાના માથા ઉપર રાખેલુ હતું કે જેથી ગરમીની તીવ્રતાને ઓછી કરી શકે. આ જ સમય હતો કે રસુલે અકરમ (સ.અ.વ.) ઉભા થયા અને ફરમાવ્યું:

‘અય લોકો! શું હું મોઅમીનોના નફસો ઉપર તેમનાથી વધારે અધિકાર નથી ધરાવતો? અને મારી પત્નિઓ ઉમ્મુલ મોઅમેનીન નથી? અમે બધાએ કહ્યું: એમજ છે અય અલ્લાહના રસુલ (સ.અ.વ.)! પછી અલી (અ.સ.)નો હાથ પકડીને બલંદ કર્યો અને ફરમાવ્યું: હું તમને બધાને ગવાહ બનાવુ છું કે ‘જેનો જેનો હું મૌલા છું તેના અલી (અ.સ.) મૌલા છે. અય અલ્લાહ! તું તેને દોસ્ત રાખ જે અલીને દોસ્ત રાખે અને તેને દુશ્મન રાખ જે અલીને દુશ્મન રાખે.’ આ જુમ્લો ત્રણ વખત દોહરાવ્યો.’

રસુલે અકરમ (સ.અ.વ.)ના આ ફરમાનને સાંભળીને ઉમરે કહ્યું: અય અબુલ હસન! મુબારક થાય કે હવે તમે મારા અને દરેક મર્દ તથા ઔરતના મૌલા બની ગયા. પછી મજમામાંથી એક શખ્સ ઉભો થયો અને તેણે રસુલે ખુદા (સ.અ.વ.)થી પરવાનગી માગી કે તે અલી (અ.સ.)ના બારામાં અમૂક શેઅર કહે. તો રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય હસ્સાન કહો અને હસ્સાને શેઅર કહ્યા.

یُنَادِیْہِمْ  یَوْمَ  الْغَدِیْرٍ  نَبِیُّہُمْ۔۔۔

‘ગદીરના દિવસે તેઓના પયગમ્બર (સ.અ.વ.)એ ખુમ નામની જગ્યાએ તે (લોકો)ને બોલાવ્યા….’

હસ્સાનનો આ શેઅર મૌલાના અર્થને બયાન કરી રહ્યો છે:

فَقَالَ لَہُ:  قُمْ  یَا  عَلِیُّ فَاِنَّنِیْ  رَضِیْتُکَ  مِنْ  بَعْدِی  اِمَامًا  وَہَادِیًا

‘પછી આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: અય અલી! ઉભા થાવ. બેશક! હું તમારી, મારા બાદ હાદી અને ઈમામની (પસંદગી)થી રાજી છું.’ [xii]

ઈન્શાઅલ્લાહ હવે પછીના અંકમાં શબ્દ મૌલાના ડીક્ષનરી અને સાહિત્યીક અર્થની ચર્ચા કરીશું. ખુદાયા! અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના હકીકી જાનશીન હઝરત ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની ગયબતને ખતમ કરે અને તેમના પુરનૂર ઝુહુર વડે વિરોધીઓ અને કટ્ટરવાદીઓના પદર્ઓિને ચાક કરી દે અને હઝરતની વિલાયત અને સરપરસ્તીને દરેક ઉપર જાહેર કરી દે.

આ સિલસિલામાં ટૂંકાણને ધ્યાનમાં રાખીને મૂળ વાત ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને હક્ક મઝહબને સ્થાપિત કરવા અને તેનું રક્ષણ કરવાના સંબંધમાં હિજરી સન 726 માં પોતાના લખાણો અને જડબાતોડ કિતાબો દ્વારા જે ઈસ્લામી દુનિયામાં હલચલ પૈદા કરી તેની ગુંજ ઈસ્લામી આલીમો દરમ્યાન આ જ સુધી સાંભળવા મળે છે. અર્થાત અબુ મન્સુર જમાલુદ્દીન, હસન બિન યુસુફ બિન મુતહ્હરે હિલ્લી કે જેઓ અલ્લામા હિલ્લી (અ.ર.)ના નામથી પ્રખ્યાત છે. તેમની ખ્યાતનામ કિતાબ ‘નેહજુલ હક્ક વ કશફુસ સિદ્ક’ની ગૂંજ છે. તેમની પહેલા અને તેમની પછી ઈસ્લામના આલીમોની દરમ્યાન જે બેચૈની જોવા મળે છે અને તેની ઉપર શીઆ આલીમોએ જે પગલા ઉઠાવ્યા છે. તેની માહિતી માનનીય વાંચકો દરમ્યાન રજુ કરવાની ખુશબખ્તી પ્રાપ્ત કરી રહ્યા છીએ. તેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત સ્થાપિત કરવામાં અને તેનું રક્ષણ કરવા માટે આલીમોએ કેટલી હદે તકલીફો અને યાતનાઓ સહન કરી છે. આ લેખમાં ત્રણથી ચાર કિતાબોની પરિસ્થિતિ અને તેની પૂર્વભૂમિકા રજુ કરવામાં આવશે. (1) નેહજુલ હક્ક વ કશફુસ સિદ્ક, અલ્લામા હિલ્લી (અ.ર.) (2) ઈબ્તાલે નેહજુલ બાતિલ વ કશફુલ આતિલ, આલીમ અશ્અરી ફઝલ બિન રોઝબહાન (3) એહકાકુલ હક્ક વ અઝહાકુલ બાતિલ, કાઝી નુરુલ્લાહ શુસ્તરી, વફાત હિજરી સન 1019 અને (4) દલાએલુસ સિદ્કે નેહજુલ હક્ક, શૈખ મોહમ્મદ હસન અલ મુઝફફર, વફાત હિજરી સન 1375.

સૌથી પહેલા:

આ સંબંધમાં સૌથી પહેલા કિતાબ નેહજુલ હક્ક લખવાના કારણને જાણી લેવાથી ફઝલ બિન રોઝબહાનની દુશ્મની અને તેના દ્વારા જવાબમાં કિતાબ લખવાનું કારણ સરળતાથી સમજાય જશે.

નેહજુલ હક્ક:

કિતાબ નેહજુલ હક્ક અંદાજે સાતસો વર્ષ પહેલા લખવામાં આવી છે. તે કિતાબ લખવાનું કારણ જે દશર્વિવામાં આવ્યુ છે તે એ છે કે જ્યારે હિજરી સન 703 માં ગાઝાન ખાન મોગલનું મૃત્યુ થયુ ત્યાર પછી ઉલ્જાયતુના હાથમાં સલ્તનત આવી. તે ઈસાઈ ધર્મમાં માનતો હતો કારણ કે તેની મા ઈસાઈ હતી. પછી ઉલ્જાયતુએ એક મુસલમાન સ્ત્રી સાથે શાદી કરી અને તે પણ મુસલમાન બની ગયો. તેણે મુસલમાન બન્યા પછી પોતાનું નામ ‘સુલ્તાન મોહમ્મદ ખુદાબંદા’ રાખ્યું. તેના દરબારના આલીમો હનફી મસ્લકને માનનારા હતા આથી સુલ્તાને પણ હનફી મઝહબ ઈખ્તેયાર કર્યો. આ રીતે હનફી મઝહબની ખૂબ વધારે તબ્લીગ થઈ અને તે ખૂબ જ વધારે પ્રચલિત થયો. તેના પરિણામ સ્વરુપ બીજા મસ્લકોનું સમ્માન બાકી ન રહ્યું. આ તે સમય હતો કે જે ઝમાનામાં હનફી અને શાફેઈ મસ્લકની દરમ્યાન ઈરાનમાં વિરોધાાભાસ તેની ચરમસીમાએ હતો. ત્યાં સુધી કે ઈલ્મી ચચર્ઓિ અને ડીબેટ કરવાને બદલે એક-બીજા ઉપર આરોપ-પ્રત્યારોપ અને શકય તેટલી દરેક રીતે એકબીજાને નીચા બતાવવાની કોશિશો કરવામાં આવી રહી હતી. ત્યાં સુધી કે રોજબરોજની આ હાલત જોઈને લોકો તેનાથી બેઝાર થવા લાગ્યા હતા. તેના પરિણામ સ્વરુપ લોકો દીને ઈસ્લામથી પણ દૂર થતા જતા હતા. ત્યાં સુધી કે દરબારના મુગલ હોદ્દેદારો કે જેઓ મુસલમાન થયા હતા તેઓ પણ પોતાને ઈસ્લામ કબૂલ કરીને નુકસાનમાં સમજી રહ્યા હતા. ધીમે-ધીમે તેઓ પોતાના બાપ-દાદાઓના મઝહબ એટલે કે ઈસાઈ ધર્મ તરફ પરત ફરી રહ્યા હતા. આ રીતે ઈસ્લામથી પલ્ટીને બીજો ધર્મ ઈખ્તેયાર કરનારાઓની સંખ્યા ઉત્ત્ારો ઉત્ત્ાર વધતી રહેતી હતી. જ્યારે સુલ્તાન મોહમ્મદ ખુદાબંદાએ આ હાલત જોઈ તો તેણે પોતે પણ હનફી મસ્લકને માનવાનું છોડી દીધું. પરંતુ તે ત્રણ વર્ષ સુધી ઈસ્લામી અકીદાઓ ઉપર બાકી રહ્યો સાથોસાથ તેણે કોઈ ખાસ મસ્લક ઈખ્તેયાર ન કર્યો. પરંતુ તેણે ખૂબ જ ચિંતન-મનન, આશ્ર્ચર્ય અને પરેશાનીમાં પસાર કર્યા અંતમાં તેને દરબારના હોદ્દેદારોમાંથી એક વ્યક્તિએ શીઆ મઝહબ ઈખ્તેયાર કરવાની સલાહ આપી. શરુઆતમાં તેણે ઈન્કાર કર્યો. પરંતુ તે હોદ્દેદાર નિરાશ થવાના બદલે ખૂબ જ નરમાશ અને ઈત્મેનાનથી સુલ્તાનની હિદાયત કરવાની કોશિશ કરતા રહ્યા. અંતે સુલ્તાન મોહમ્મદ ખુદાબંદાએ અલ્લામા હિલ્લી (અ.ર.)ને પોતાની ખ્વાહીશ રજુ કરી. જો કે તે ઝમાનામાં અલ્લામા હિલ્લી (અ.ર.)ને એક મહાન ખ્યાતિ પ્રાપ્ત હતી અને દરેક જગ્યાએ તેમની ચર્ચા થતી હતી. સુલ્તાને તેમને ખ્વાહીશ કરી કે તેઓ તેના માટે એક એવી કિતાબ લખે કે જેમાં શીઆ મઝહબની હક્કાનિય્યતને અકલી અને કુરઆન અને હદીસોની દલીલોથી સાબિત કરવામાં આવી હોય. અલ્લામાએ સુલ્તાનની ખ્વાહીશ ઉપર ‘નેહજુલ હક્ક વ કશફુસ સિદ્ક’ કિતાબ લખીને તેને પોતાની બીજી કિતાબ ‘મિન્હાજુલ કરામતાહ’ની સાથે બન્ને કિતાબોને સુલ્તાનની ખિદમતમાં રજુ કરી. ત્યાર બાદ અલ્લામાને વધુ એક મૌકો મળ્યો અને હુકુમતના દરબારમાં મુનાઝેરા (ડીબેટ)નો એક નવો રસ્તો ખૂલ્યો. પછી શું? ખૂબ જ શ્રેષ્ઠ રીતે હક્કની ચોટે સચ્ચાઈઓ ઉજાગર થવા લાગી. ખુદ સુલ્તાન આલીમો દરમ્યાન થનારા મુનાઝેરામાં હાજર રહેતો અને ખૂબ જ ઉંડાણથી અને બારીકાઈથી બન્ને તરફના આલીમોના બયાનને સાંભળતો. અંતે સુલ્તાન મોહમ્મદ ખુદાબંદા અને દરબારના બીજા વઝીરોએ ભેગા મળીને શીઆ મઝહબની હક્કાનિય્યતનું એઅલાન કર્યું અને બધાએ શીઆ મઝહબ કબૂલ કર્યો.

અલ્લામા હિલ્લી (અ.ર.)એ આ કિતાબમાં આઠ મસઅલાઓ બયાન કર્યા છે.

(1) મસઅલ એ ઈદ્રાક (પામવુ)

(2) મસઅલ એ નઝ્ર અને ફીકર (મંતવ્ય અને વિચારધારા)

(3) મસઅલ એ સિફાતે ખુદાવંદે આલમ (ખુદાની સિફાત)

(4) મસઅલ એ નુબુવ્વત

(5) મસઅલ એ ઈમામત કે જે બીજા મસઅલાઓની સરખામણીમાં વિગતવાર વર્ણવાએલ છે

(6) મસઅલ એ મઆદ (કયામત)

(7) મસઅલ એ ઉસુલે ફીકહ

(8) મસઅલ એ ફીકહ, જેમાં બયાન કરવામાં આવ્યું છે કે એહલે સુન્નતના મંતવ્યો કુરઆન અને સુન્નતે નબવીની વિરુધ્ધ છે.

કિતાબ નેહજુલ હક્કની એક વિશેષતા એ છે કે તેમાં અલ્લામાએ દરેક મસઅલાને બયાન કર્યા પછી તે બારામાં બીજા મસ્લકોનું શું મંતવ્ય છે તે અત્યંત માન અને વિવેકથી નોંધ્યુ છે. ત્યારબાદ ખૂબ જ શિસ્તબધ્ધ અને મજબુત રીતે દલીલો વડે તેનું ખંડન કર્યું છે અને તે મંતવ્યને રદ કર્યું છે. તો આ મુજબ તે કિતાબ એહતેજાજી અને ઈસ્તીદલાલી (પોતાની વાતના સમર્થનમાં દલીલ રજૂ કરનારી) પણ છે. કિતાબ નેહજુલ હક્ક ઘણી બધી વખત છપાઈ ચૂકી છે અને તેનો તરજુમાઓ પણ થયા છે.

નેહજુલ હક્કથી બાતિલની દુશ્મની (ઈબ્તાલે નેહજુલ હક્ક):

શીઆ મઝહબની હક્કાનિય્યતના પરિચયમાં કિતાબ નેહજુલ હક્કના લખાયા બાદ અંદાજે બસો વર્ષ પછી અશ્અરી આલીમ ફઝલ બિન રોઝબહાને હિજરી સન 909 માં ‘ઈબ્તાલે નેહજુલ બાતિલ વ એહમાલે કશ્ફુલ આતિલ’ નામની કિતાબને તેની રદમાં લખી. ઈબ્ને રોઝબહાને પોતાની કિતાબમાં ઈન્સાફના રસ્તાથી હટીને, માન-સમ્માન તેમજ અખ્લાકની તમામ હદોને પાયમાલ કરીને એવી એવી બાબતોથી ભરપૂર કિતાબ લખી કે જે ખુદાવંદે આલમના ગઝબનો શિકાર પામી. તેમજ ઈલ્મ અને સમજ ધરાવનારા લોકોએ તેની નિંદા કરી. તેઓએ કિતાબમાં અલ્લામા હિલ્લી (અ.ર.) માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવાની સાથો-સાથ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ફઝીલતોનો પણ ઈન્કાર કર્યો અને તેમાં ફેરફાર કર્યો… એટલા માટે જ આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની મિલાની મદ્ઝીલ્લહએ પોતાનો એક રિસાલો કે જે કિતાબ ‘દલાએલુસ સિદ્ક’ના પહેલા ભાગની સાથે પ્રસ્તાવના રુપે પ્રકાશિત થયો છે તેમાં ઈબ્ને રોઝબહાનના અવ્યવહારુ અને અયોગ્ય વાતોની એક યાદી રજુ કરી છે. ઉમ્મીદ છે કે તે વાંચકો માટે રસપ્રદ રહેશે:

(એ) ઈબ્ને રોઝબહાને અલ્લામા માટે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. જે કોઈ સામાન્ય આલીમને પણ શોભા ન આપે.

(બી) એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનો સાથે દોસ્તી પ્રદર્શિત કરવાની સાથોસાથ એહલેબૈત (અ.મુ.સ.)ના વિરોધીઓના કાર્યો અને ચારિત્ર્યનો લુલો બચાવ અને ખોટું અર્થઘટન કર્યું છે. તેમજ મોઆવીયા અને બીજા બની ઉમય્યાના હાકીમોનો બચાવ કર્યો છે.

(સી) સાચા અને હકીકી બનાવોનો પાયાથી ઈન્કાર કર્યો છે. જેમકે બીજા ખલીફાની મરજીથી તરાવીહની નમાઝની શોધ કરવામાં આવી અથવા પાગલ અને પ્રસૃતા સ્ત્રીને બીજા ખલીફા દ્વારા પથ્થરોથી મારી નાખવાનો હુકમ આપવો અથવા ત્રીજા ખલીફા દ્વારા અબ્દુલ્લાહ બિન મસ્ઉદ સાથે મારપીટ કરવી તેમજ મોઆવીયા દ્વારા અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.) માટે અપશબ્દો અને અયોગ્ય ભાષાનો પ્રયોગ કરવો વિગેરે…

(ડી) એહલે સુન્નતના આલીમોની બુરાઈ કરવી

(ઈ) કટ્ટરવાદી અને હઠાગ્રહી લોકોથી પાયાની બાબતોની નોંધ કરવી અને તેને ભરોસાપાત્ર ઠેરવવી. જેમકે જાહીઝ જેવા વ્યક્તિનો બચાવ.

(એફ) કોઈ વાતની તે કિતાબ તરફ નિસ્બત દેવી કે જે તેમાં જોવા ન મળતી હોય અને તે વાતનો ઈન્કાર કરવો જે તે કિતાબમાં મૌજુદ હોય.

(જી) બુઝુર્ગ આલીમોના કથનો અને રિવાયતોમાં ફેરફાર કરવો.

(એચ) બુનિયાદી વાતો બયાન કરવામાં વિરોધાભાસ.

(આઈ) ચચર્નિા વિષયથી બહાર નિકળી જવુ અને હક્ક બાબતને કબુલ ન કરવી.

(જે) અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ફઝીલતોનો ઈન્કાર કરવો.

નેહજુલ હક્કનો બચાવ અને ઈબ્તાલે રોઝબહાનનો જવાબ:

ફઝલ બિન રોઝબહાનના જવાબમાં ઘણા બધા બુઝુર્ગ આલીમોએ અલ્લામા હિલ્લી (અ.ર.)ની કિતાબની તશ્રીહ (સમજણ)ના શિર્ષક હેઠળ ઘણી બધી કિતાબો લખી છે અને તેઓની બધી જ શંકાઓના જવાબો આપ્યા છે તે પૈકીની ચાર કિતાબો વર્ણવવા લાયક છે.

() એહકાકુલ હક્ક અઝહાકુલ બાતિલ:

જનાબ કાઝી નુરુલ્લાહ શુસ્તરી હિજરી સન 1019. સૈયદ નુરુલ્લાહ હુસૈની મરઅશી કે જેઓ શહીદે સાલીસના નામથી પ્રખ્યાત છે. તેઓ કાઝી, ફકીહ, મોતકલ્લીમ, રેજાલ અને મહાન ખાસિયતો ધરાવનારા હતા. તેઓ લાંબા સમય સુધી હિન્દુસ્તાનમાં રહ્યા. તેઓ જહાંગીરશાહ તૈમુરીના ઝમાનામાં હિજરી સન 1019 માં તેના હુકમથી ધારદાર કોરડાઓ અને બીજી સખત યાતનાઓ વડે શહાદત પામ્યા… કાઝી નુરુલ્લાહ શુસ્તરી (અ.ર.)એ અંદાજે 100 ઈલ્મી કિતાબો લખી છે. જેમાં મુખ્યત્વે એહકાકુલ હક્ક, મજાલેસુલ મોઅમેનીન, મસાએબુન નવાસીબ, અસ સવારેમુલ મોહર્રેકા ફીર રદદે અલા સવાએકુલ મોહર્રેકા, તફસીરે બયઝવીનો હાંશિયો અને હુસ્ન વ કુબ્હ પ્રખ્યાત છે. મરહુમ કાઝી નુરુલ્લાહે સૌ પ્રથમ ઈબ્ને રોઝબહાનના ખુત્બાના લખાણને રજુ કર્યું છે. ત્યારબાદ નેહજુલ હક્કના એક એક વાકયને આ રીતે નોંધ્યુ છે કે: ‘વર્ગીકરણ કરનાર કહે છે કે અલ્લાહ તેમના દરજ્જાને બલંદ ફરમાવે.’ તેની સાથોસાથ ફઝલ બિન રોઝબહાનના લખાણને આ રીતે નોંધ્યુ છે કે ‘લેખક કહે છે કે અલ્લાહ તેમની હિફાઝત ફરમાવે.’ તેઓ આ રીતે સંબોધન કરીને ઈબ્ને રોઝબહાનના બયાનને રદ કરે છે અને પોતાના ઈલ્મી, દલીલોથી ભરપૂર, ઐતિહાસીક અને વાકચાતૃર્યથી ભરપૂર લખાણોને ‘ર્અકવલ’ (અકુલ)ના શિર્ષક હેઠળ રજુ કરે છે. મરહુમ કાઝી સાહેબે આ કિતાબ સાત મહિનાઓમાં લખી હતી જે હકીકતમાં એક મહાન કાર્ય છે.

() અરરદ્દો અલલ ફઝલ બિન રોઝબહાન, લેખક આકા મોહમ્મદ તકી બીન આકા અબ્દુલહુસૈન બીન બહબાની, હી.. 1333:

કિતાબ: દલાએલુ હક્ક લે નેહજુલ હક્ક, લેખક મોહમ્મદ હસન બિન મોહમ્મદ બીન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ બીન એહમ્મદ મુઝફફર સૈમુરી નજફી. તેઓ જબરદસ્ત મોતકલ્લીમ, શાએર, ફકીહ અને આલીમ હતા. તેઓ હિજરીસન 1375 માં વફાત પામ્યા. તેમના પ્રખ્યાત ઉસ્તાદો જેમકે શૈખ મોહમ્મદ કાઝીમ ખુરાસાની, શૈખુશ શરીઅહ ઈસ્ફહાની, સૈયદ મોહમ્મદ કાઝીમ તબાતબાઈ અને શૈખ અલી બિન શૈખ બાકીર જવાહેરીથી ઈલ્મ પ્રાપ્ત કર્યું હતું. આલીમોએ તેમની સચ્ચાઈ અને નફસની પાકીઝગી વિગેરેના વખાણ કર્યા છે. તેમના ઘણા બધા ઈલ્મી આસાર છે, જે ઈસ્લામી સમાજની ઈલ્મી દુનિયામાં ખ્યાતિ ધરાવે છે. તેમની ખૂબ જ વધારે પ્રખ્યાત કિતાબ ‘દલાએલુસ સિદ્ક’ છે. આકા બુઝુર્ગ તેહરાની આ કિતાબના બારામાં લખે છે કે: આ કિતાબ કાઝી નુરુલ્લાહ શુસ્તરીની કિતાબ ‘એહકાકુલ હક્ક’ની સંપૂર્ણતા છે.[xiii]

મરહુમ મુઝફફરે પોતાની કિતાબ ‘દલાએલુસ સિદ્ક’માં સૌ પ્રથમ અલ્લામા હિલ્લીના લખાણને નોંધ્યુ છે ત્યારબાદ ફઝલ બિન રોઝબહાનના જવાબને નોંધે છે. ત્યારબાદ ફઝલ બિન રોઝબહાનના જવાબનો જવાબ આપે છે. સાથોસાથ સમય અને સંજોગ જોઈને કિતાબ મિન્હાજુલ કરામતાહ કે જે અલ્લામા હિલ્લી (અ.ર.)એ લખેલી છે તેની રદ્દમાં ઈબ્ને તૈમીયાએ જે વાત રજૂ કરી છે તેનો પણ જવાબ લખે છે. મરહુમ મુઝફફરે દલાએલુસ સિદ્કમાં ઉસુલે દીન સંબંધિત મસઅલાઓને રજુ કર્યા છે અને તેનું કારણ પણ તેમણે કિતાબના અંતમાં આ રીતે બયાન ફરમાવ્યું છે:

‘ઉસુલે દીન જ મૂળ બુનિયાદ છે. અગર કોઈ ખુદાવંદે આલમની તૌફીકથી હક્કનું અનુસરણ કરતા કરતા આ કિતાબમાં ચિંતન-મનન કરશે તો ઉસુલે ફીકહના પાસાઓ અને તેની શાખાઓથી બેનિયાઝ થઈ જશે.’

મરહુમ શૈખ મુઝઝફર (અ.ર.)એ કિતાબમાં નોંધાએલી એક રિવાયતમાં એક લાંબી પ્રસ્તાવના લખી છે અને તેમાં કિતાબ સિહાહે સિત્તાનું ખૂબ જ બારીકાઈથી અવલોકન કર્યું છે. ત્યારબાદ ચારથી પાંચ સિધ્ધાંતોના બારામાં વિગતવાર ચર્ચા કરતા શીઆ અને અશાએરાની વિચારધારા અને માન્યતાને અમલી સ્વરુપે રજુ કરી છે.

પ્રથમ સિધ્ધાંત: ઈમામ માટે ઈસ્મતનું જરુરી હોવું.

બીજો સિધ્ધાંત: ઈમામે બીજા બધા લોકોથી સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ હોવું જોઈએ.

ત્રીજો સિધ્ધાંત: ઈમામને નિયુકત કરવાની પધ્ધતિ.

ચોથો સિધ્ધાંત: પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રેહલત પછી ઈમામની નિયુક્તિ અને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામત અકલી દલીલો ઉપર આધારિત છે.

પાંચમો સિધ્ધાંત: અમૂક એ ફઝીલતોનું વર્ણન કે જે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના ઈમામ હોવા ઉપર દલાલત કરે છે.

લેખકે પ્રથમ બે સિધ્ધાંતો ઉપર ટૂંકમાં ચર્ચા કરી છે. પરંતુ ચર્ચા એટલી સચોટ દલીલોથી ભરપૂર અને સમગ્ર વિષયને આવરી લે તેવી છે કે કોઈપણ ઈમામના મઅસુમ હોવા બાબતે તેમજ ઈમામ સૌથી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય છે તે બાબતે ઈન્કાર કરી શકતું નથી.

ત્રીજા સિધ્ધાંત માટે લેખકે શીઆ વિચારધારા અને માન્યતાઓને રજુ કરતી દલીલો પેશ કરી છે. તે વિચારધારા મુજબ ફકત બે જ રીતે ઈમામની નિયુક્તિ થઈ શકે છે. (પ્રથમ ખુદા અને તેના રસુલ દ્વારા સ્પષ્ટ નસ્સ અને બીજું તે ઈમામ દ્વારા બીજા ઈમામની નિયુક્તિ કે જે ઈમામ માટે પહેલેથી જ નસ્સ મૌજુદ હોય તેમના દ્વારા મોઅજીઝા બતાવવામાં આવે અને અકલી દલીલો રજુ કરવામાં આવે) લેખકે ઈમામની નિયુક્તિના રસ્તાઓના વિષય ઉપર ઘણી લાંબી ચર્ચા કરી છે, જે ખરેખર અભ્યાસ કરવા લાયક છે.

ચોથો સિધ્ધાંત એટલે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રેહલત પછી ઈમામની નિયુક્તિના સંદર્ભમાં અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામતને સાબિત કરતી આયતો અને રિવાયતોની નોંધ કરીને એક લાંબી અને વિગતવાર ચર્ચા રજુ કરી છે. મરહુમ અલ્લામા હિલ્લી (અ.ર.)એ પોતાની કિતાબમાં એહલે સુન્નતના બુઝુર્ગ આલીમો અને તફસીરકારોની રિવાયતોની નોંધ કરવાની સાથેસાથ 84 આયતો રજુ કરી છે કે જે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામતને સાબિત કરે છે અથવા તો તેમની અને એહલેબૈત (અ.મુ.સ.)ની ફઝીલતને ઉજાગર કરે છે. મરહુમ શૈખ મુઝફફર (અ.ર.)એ તેમાં વધુ 16 આયતોનો ઉમેરો કરીને આ જ પધ્ધતિ મુજબ જ એહલે સુન્નતના બુઝુર્ગ આલીમોથી રિવાયતોની નોંધ કરીને અલ્લામા જેવો જ ખુલાસો પેશ કર્યો છે. આયતો રજુ કર્યા બાદ એહલે સુન્નત મુજબ ઈમામની નિયુક્તિની પધ્ધતિ ઉપર ચર્ચા કરી છે. તે સંદર્ભમાં એહલે સુન્નતની પધ્ધતિથી 28 હદીસોની નોંધ કરી છે. મરહુમ મુઝફફર (અ.ર.)એ અલ્લામા હિલ્લી (અ.ર.) અને ઈબ્ને રોઝબહાનના કથનોની નોંધ કર્યા બાદ વિગતવાર મૂળ હકીકત અને સાચા અર્થ બાબતે પોતાના મંતવ્યને રજુ કર્યુ છે તેમજ તે હદીસો કઈ વાત ઉપર દલાલત કરે છે તે ખૂબ જ સરસ છણાવટ સાથે નોંધી છે.

તેમજ પાંચમાં સિધ્ધાંતના બારામાં મરહુમ લેખકે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ફઝીલતોના સંદર્ભમાં ખાન એ કાબામાં તેમની વિલાદતના સમયના બનાવો અને વિલાદતની પછીના બનાવોની નોંધ કરી છે. અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાદત પછીની ફઝીલતોને ત્રણ ભાગોમાં વહેંચી છે.

(1) તેમના વ્યક્તિગત કમાલાત.

(2) તેમની શારીરિક ખૂબીઓ અને ખાસિયતો.

(3) તે બન્નેથી અલગ બાહ્ય ખાસિયતો.

આ રીતે કિતાબ દલાએલુસ સિદ્ક એક વિસ્તૃત કિતાબ છે. જો કે શરુઆતના ત્રણ સિધ્ધાંતોના બારામાં ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. પરંતુ ઈમામત અને તેના સંબંધિત વિષયો ઉપર નજર કરવામાં આવે તો ચોક્કસપણે કહી શકાય કે તે કિતાબ તેના વિષયોના સંદર્ભમાં વિસ્તૃત, ઈલ્મી અને દરેક પ્રકારના હઠાગ્રહ અને પક્ષપાતથી દૂર તેમજ એહલે સુન્નતના સનદ ધરાવનારા સ્ત્રોતોની સાથે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની ઈમામત અને ફઝીલતો માટે અકલી દલીલોથી ભરપૂર એકમાત્ર અજોડ અને અમૂલ્ય ખજાનો છે.

મરહુમ મુઝફફર (અ.ર.)એ આ કિતાબને 29મી રબીઉલ આખર હિજરી સન 1351માં સંપૂર્ણ કરી. તેમજ લેખકે કિતાબના અંતમાં એહલે સુન્નત દરમ્યાન વધુ સનદો અને સ્ત્રોતોની ઉણપ અને વધુ કિતાબો સુધી પહોંચ ન હોવાનું કારણ પણ રજુ કર્યું છે. પરંતુ તેમ છતાં એહલે સુન્નતના મહત્વના સ્ત્રોતો સુધીની પહોંચ તે ઝમાનાના માધ્યમોની શકયતાનો અંદાજો લગાવવામાં આવે તો એ ખ્યાલ આવશે કે લેખકે તે સંબંધમાં ખૂબ જ મહેનત, તકલીફો અને યાતનાઓને સહન કરી છે. અલ્લાહ (સુ.વ.ત.) મરહુમ અલ્લામા હિલ્લી (અ.ર.), જનાબ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (અ.ર.) અને મરહુમ શૈખ મુઝફફર (અ.ર.) તેમજ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયત અને ઈમામતના મુહાફીઝોને કયામતના દિવસે અલી (અ.સ.)ના મુબારક હાથો વડે હૌઝે કૌસરથી તૃપ્ત ફરમાવે, તેમજ તે બધાને અલી (અ.સ.)ના પરચમના છાંયા હેઠળ કરાર દે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દોઆ છે કે આ નાચીઝ ખિદમતને ગદીરના વારીસ ઈમામે ઝમાના (અ.સ.)ના પુરનૂર ઝુહુર માટે પૂર્વભૂમિકા કરાર દે અને આપણો દરેકનો શુમાર તેમના ગુલામો અને મદદગારોમાં ફરમાવે. આમીન.

[i] સુરએ શોઅરા (26) આયત નં. 225:اَلَمْ تَرَ اَنَّہُمْ  فِیْ  کُلِّ وَادٍ  یَّہِیْمُوْنَ તરજુમો: ‘શું તમે નથી જોતા કે આ લોકો કલ્પનની ખીણ / ઉંડાણમાં ભટકી રહ્યા છે.

[ii] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-3, પાના નં. 8

[iii] અલ ગદીર, રઝા અબ્દુલ હુસૈન અમીની દ્વારા લખેલ પ્રસ્તાવના, પાના નં. 122-123

[iv] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-2, પાના નં. 8-11

[v] આમાલી એ શૈખ તુસી (અ.ર.), પાના નં. 46, અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-3, પાના નં. 12

[vi] અલ ગદીર, ફારસી તરજુમો, ભાગ-4, પાના નં. 12

[vii] તારીખે ઈબ્ને અસાકીર અને બીજી કિતાબોમાં શબ્દ ‘સનવી’ (મહેરબાન ભાઈ)ની જગ્યાએ શબ્દ ‘સહર’ આપ્યો છે. તેનો અર્થ થાય છે પત્નિના પિતા એટલે સસરા

[viii] અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 46-51, ઉર્દુ તરજુમો, ભાગ-2, પાના નં. 29-31, ઉર્દુ તરજુમામાં ફકત હવાલાઓ આપવામાં આવ્યા છે. કોઈ મૂળ લખાણ રજુ કરવામાં નથી આવ્યું.

[ix] મુસ્તદરકે હાકીમ, ભાગ-૩, પાના નં. 1287 અને 555, હદીસ નં. 6058

[x] વધુ વિગત માટે જુઓ અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 57-59

[xi] ફોસુલુલ મુખ્તારાહ, ભાગ-1, પાના નં. 87, અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 61

[xii] અલ ગદીર (ફારસી), ભાગ-3, પાના નં. 60

[xiii] અઝ ઝરીઅહ, ભાગ-8, પાના નં. 251

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*